સુરતઃ ચાલુ વર્ષે ડાંગર પકવતા ખેડૂતોએ મોટાપાયે ડાંગરનું વાવેતર કર્યું હતું. પોષણક્ષમ ભાવ મળવાની આશા સાથે ખેડૂતોએ પોતાનો પાક તૈયાર કર્યો હતો. જોકે, લોકડાઉને ખેડૂતોની તમામ આશા ઉપર પાણી ફેરવી દીધું. કેમ કે, ખેડૂતોએ મહેનતથી વાવેલો ડાંગરનું મબલક ઉત્પાદન તો થયું પરંતુ લોકડાઉનની સ્થિતિમાં મજૂરો આવી ન શક્યા. આથી ખેડૂતોએ હાર્વેસ્ટીંગ મશીનથી ડાંગરની કાપણી કરવી પડી. જેમાં ખર્ચ વધી ગયો ઉપરથી સ્થાનિક મજૂરો પાસે ડાંગરની સાફસફાઈ અને ડાંગરની ગુણી તૈયાર કરવાની કામગીરી કરાવી પડી, જેમાં એડવાન્સ પૈસા આપવા પડ્યા અને ખેડૂતોના પડતા પર પાટુ ફરી વળ્યું. સહકારી મંડળીઓએ સમયસર ડાંગરની ખરીદી નહીં કરતા હવે ખેડૂતો વેપારીઓને પોતાનું ડાંગર વેચવા મજબુર બન્યા છે. જેમાં રોકડા પૈસા તો મળે છે. પરંતુ એમાંય શોષણ જ થઇ રહ્યું છે.
ઓલપાડમાં ઉનાળુ ડાંગરનો મબલખ પાક તૈયાર થયો પરંતુ ખેડૂતોનું થઈ રહ્યું છે શોષણ
કોરોના મહામારી વચ્ચે ખેડૂતો સંકટમાં ડાંગરનો મબલક પાક તૈયાર થઇ ચુક્યો છે. પરંતુ વેપારીઓને તૈયાર ડાંગર વેચવા મજબુર બનેલા ખેડૂતોનું આર્થિક રીતે શોષણ થઇ રહ્યું છે. સ્થિતિ એવી સર્જાય છે કે, ખેડૂતોના ઉત્પાદન ખર્ચ પણ માથે પડી રહ્યો છે, ત્યારે સરકાર ટેકાના ભાવે ખરીદી શરૂ કરે તેવી માગ ખેડૂત આલમમાં ઉઠી છે.
ઓલપાડમાં મબલક ઉનાળુ ડાંગરનો પાક તૈયાર
સૌરાષ્ટ્રના મગફળી પકવતા ખેડૂતોની પડખે રાજ્ય સરકાર અવારનવાર આવતી હોય છે, ત્યારે દક્ષિણ ગુજરાતના ખેડૂતોને હરહંમેશની જેમ આ વખતે પણ અન્યાય સહન કરવાનો વારો આવ્યો છે. દુઃખની વાત એ છે કે, જે ખેડૂતોએ ખોબે ખોબા ભરીને ગાંધીનગર મોકલ્યા એ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ક્યારેય સરકારમાં ખેડૂત હિતની વાત રજૂ કરી નથી. ખેડૂતોની સ્થિતિ દયનિય જ હતી તેવામાં લોકડાઉનને કારણે ખેડૂતોના માથે ઘાત આવી છે, ત્યારે સરકારે ખેડૂતોની વહારે આવી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે એવી સ્થિતિ ઉભી કરવી જોઈએ.