સુરતઃ શહેરમાં થોડા દિવસ અગાઉ આરોગ્ય પ્રધાન કુમાર કાનાણીના પુત્ર અને સુરત પોલીસ કોન્સ્ટેબલ વચ્ચે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને આ વિવાદનું રેકોર્ડીંગ સોશિયલ મીડિયામાં ફરતુ થતા લોકોમાં ક્યાંક સહાનુભૂતિ તો ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે. રાજીનામાની અટકળો વચ્ચે સુનિતા યાદવ સોમવારે મોડી રાત્રે ફેસબુકના માધ્યમથી લાઈવ આવી હતી અને લોકો વચ્ચે પોતાની વ્યથા ઠાલવતી જોવા મળી હતી.
લાઈવમાં સુનિતાએ નામ લીધા વગર આરોપ લગાવતા કહ્યું કે, અત્યાર સુધી ઉચ્ચ અધિકારીઓને રાજીનામા અંગે મૌખિક જાણકારી આપી છે, ટૂંક સમયમાં લેખિત રાજીનામુ આપીશ. મારી ઉપર દબાણ નાખવામાં આવી રહ્યું છે. હું બંદૂકની નોક પર છું. સુનિતાએ મીડિયા પર આરોપ મુકતા કહ્યું કે, લોકલ મીડિયા સહકાર નથી આપતી. આરોગ્ય પ્રધાન દ્વારા મીડિયાને ખરીદવાથી મીડિયા સત્ય છુપાવે છે, પણ સત્ય છુપાશે નહીં. શિસ્તભંગ થાય આ માટે મીડિયાને ઈન્ટરવ્યૂ આપ્યો નથી. મને ખોટી રીતે રજૂ કરવામાં આવી છે.