- સુરતમાં અત્યાર સુધીમાં 1,60,000થી વધુ લોકોએ વેક્સિન લીધી
- લઘુમતી સમાજમાં 0.2 ટકા જ વેક્સિનેશન થતા તંત્ર દ્વારા સમાજના આગેવાનો સાથે મીટિંગ યોજી
- સમાજના આગેવાનોએ લોકોને વેક્સિન લેવા કરી અપીલ
સુરતઃ રાજ્યમાં સૌથી વધુ કરોના પોઝિટિવ કેસ સુરતમાં નોંધાઇ રહ્યા છે. દરરોજ 500ની આસપાસ કેસ આવી રહ્યા છે જે સરકાર માટે ચિંતાનો વિષય છે. ત્યારે સરકાર દ્વારા તકેદારીના પગલાં ભરવામાં આવી રહ્યા છે, ખાસ કરીને લોકો વેક્સિન લે તે માટે કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. સુરતમાં અત્યાર સુધીમાં 1,60,000થી વધુ લોકોએ વેક્સિન લીધી છે, પરંતુ તેમાં લધુમતી સમાજના 0.2 ટકા લોકોએ જ રસી લીધી છે. લઘુમતી સમાજમાં વેક્સિનેશન લેવાની સંખ્યા ખૂબ જ ઓછી છે, જેના કારણે તંત્રમાં ચિંતા વ્યાપી છે. સુરત મ્યુનિસિપલ કમિશ્નર સહિત અધિકારીઓએ લઘુમતી સમાજના આગેવાનો સાથે આ અંગે બેઠક પણ કરી હતી, ત્યારબાદ શહેરના પૂર્વ મેયર અને લઘુમતી સમાજના આગેવાને કદીર પીરજાદાએ વેક્સિનેશનનો ભય દૂર કરવા જાતે વેક્સિન લઈ અને લધુમતી વિસ્તારમાં ફરીને લોકોને વેક્સિનેશન લેવા માટે આગ્રહ કરી રહ્યા છે.
મોટી સંખ્યામાં સમાજના લોકોને વેક્સિનેશન મળી રહે તેવી વ્યવસ્થા કરાઈ
આ અંગે કદીર પીરજાદાએ જણાવ્યું હતું કે, અમે સમાજના આગેવાનો અને શિક્ષિત લોકો સાથે બેઠક યોજી હતી. જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકોને વેક્સિનેશન મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં છે અને લોકો ઘરેથી નીકળી વેક્સિન લે આ માટે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. અમે છેલ્લા કેટલાક દિવસથી આ અંગે જાગૃતિ કાર્યક્રમ કરી રહ્યા છીએ. લઘુમતી વિસ્તારમાં ફરીને લોકોને વેક્સિન લેવા માટે આગ્રહ કરવામાં આવ્યો છે, તેમજ લોકોને જણાવવામાં આવ્યું છે કે, લોકો માટે વેક્સિન સંજીવની છે. ખાસ કરીને કોમોરબીડ અને મહિલાઓ આ વેક્સિન લે તે ખૂબ જ જરૂરી છે. આ બાબતે પણ લોકોને સમજ આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ સુરત કોરોના અપડેટ: છેલ્લા 24 કલાકમાં 577 કોરોના પોઝિટિવ કેસ, 2 દર્દીનાં મોત