ગુજરાત

gujarat

ETV Bharat / city

સુરતના 30 વોર્ડ માંથી 15માં પરપ્રાંતીય મતો નિર્ણાયક

સ્થાનિક સ્વરાજની ચૂંટણી જ્યારે સુરતમાં હોય ત્યારે મૂળ ગુજરાતી મતદાતાઓની જેમ પરપ્રાંતીય સમાજના મતદાતાઓ પણ મહત્વની ભૂમિકા ભજવતા હોય છે. અહીં લાખોની સંખ્યામાં દેશના ખૂણા-ખૂણાથી આવેલા પરપ્રાંતીય સમાજના લોકો શહેરના વિકાસમાં પોતાનું યોગદાન આપે છે. આ જ કારણ છે કે સુરત વિશ્વનો સૌથી વિકસતું શહેર બન્યું છે. વાત ચૂંટણીની આવે ત્યારે પરપ્રાંતીય સમાજના લોકોની સંખ્યા અને તેમને મહત્વપૂર્ણ ભૂમિકા જોઈ કોંગ્રેસ અને ભાજપ ટિકિટ આપીને મહત્વની જવાબદારી આપી છે. દર ચૂંટણીમાં તેમના પ્રતિનિધિત્વની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે.

ETV BHARAT
સુરતના 30 વોર્ડ માંથી 15માં પરપ્રાંતીય મતો નિર્ણાયક

By

Published : Feb 7, 2021, 3:44 PM IST

  • સુરત ચૂંટણીમાં પરપ્રાંતીય મતો નિર્ણાયક
  • 17 લાખથી વધુ પરપ્રાંતીય લોકો કરે વસવાટ
  • 2015માં ભાજપ કોંગ્રેસ બન્ને પક્ષોએ ટિકિટ આપી હતી

સુરતઃ ગુજરાતના આર્થિક પાટનગર સુરતને મીની ભારત તરીકે ઓળખવામાં આવે છે. અહીં વિવિધ પ્રાંતના લોકો આવીને રોજગારી મેળવે છે અને દૂધમાં સાકરની જેમ ભળી જાય છે. લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પરપ્રાંતીય સમાજના લોકોની અગત્યની ભૂમિકા હોય છે. આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખી કોંગ્રેસ અને ભાજપે પરપ્રાંતીય સમાજના લોકોને ટિકિટ આપી છે. જેથી સમાજના લોકો તેમને મત આપી જંગી બહુમતથી જીતાડવા આવી શકે. અનુમાન મુજબ સુરતમાં 40 લાખથી વધુ મતદાતાઓ છે, જ્યારે સુરતની વસ્તી 70 લાખ જેટલી છે. જેમાં પરપ્રાંતીય મતદાતાઓની સંખ્યા 8 લાખથી વધુ છે અને તેમની વસ્તી 17 લાખથી વધુ છે.

ટેક્સટાઈલ ઉદ્યોગમાં પરપ્રાંતથી આવેલા શ્રમિકો મોટી સંખ્યામાં કામ કરે છે

સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગમાં પરપ્રાંતથી આવેલા શ્રમિકો મોટી સંખ્યામાં કામ કરે છે. ખાસ કરીને ઉધના, પાંડેસરા. સચિન. અમરોલી જેવા વિસ્તારોમાં આવેલા કારખાનામાં તે રોજગારી મેળવે છે. સુરતના રાજસ્થાની મતદાતાઓની સંખ્યા આશરે દોઢ લાખ જેટલી છે, જ્યારે મરાઠી સમાજના મતદાતાઓની સંખ્યા અઢી લાખથી વધુ છે. ઉત્તરપ્રદેશ અને બિહારના મતદાતાઓની સંખ્યા 3 લાખથી વધુ છે, જ્યારે ઓડીશા સહિત અન્ય પ્રાંતો જેમાં મધ્ય પ્રદેશ, ઝારખંડ અને દક્ષિણ ભારતના મતદાતાઓની સંખ્યા દોઢ લાખથી વધુ છે.

વર્ષ 2015માં બન્ને પક્ષે આપી હતી તક

વર્ષ 2015માં ભાજપે કુલ પરપ્રાંતીય સમાજના 23 જેટલા લોકોને ટિકિટ આપી હતી. જેમાંથી મરાઠી સમાજના 13, ઉત્તર ભારતીય સમાજના 5 બિહારના 1 અને રાજસ્થાનના 4 જેટલા ઉમેદવાર હતા. આ તમામમાંથી 20 જેટલા ઉમેદવારો વિજયી થયા હતા, જ્યારે વર્ષ 2015માં 8 જેટલા મરાઠી ઉમેદવારોને કોંગ્રેસે ઉતાર્યા હતા. આ સાથે જ 7 જેટલા ઉત્તર પ્રદેશના, 2 બિહારના અને 4 રાજસ્થાનના ઉમેદવારો મેદાને ઉતાર્યા હતા. જેમાંથી 4 જેટલા ઉમેદવારો વિજયી થયા હતા.

2019માં બન્ને પાર્ટીએ ફરી વિશ્વાસ બતાવ્યો

આ વખતે BJPએ કુલ 24 જેટલા ઉમેદવારોને તક આપી છે. જેમાંથી મરાઠી સમાજના, ઉત્તર ભારતીય અને બિહારના 7, રાજસ્થાની સમાજના 4 જેટલા ઉમેદવારો મેદાને ઉતાર્યા છે. જો કે, અત્યાર સુધી માત્ર કોંગ્રેસની એક જ ઉમેદવારોની વિધિવત યાદી સામે આવી છે. જેમાં કોંગ્રેસે રાજસ્થાનના 5, ઉત્તરપ્રદેશના 8 અને ઓરિસ્સા સમાજના 2 ઉમેદવારોને ટિકિટ આપી છે, જ્યારે બીજી બાજુ ભાજપે એક પણ ટિકિટ ઓરિસ્સા સમાજના પ્રતિનિધિને આપી નથી.

15 વોર્ડમાં પરપ્રાંતીય સમાજનું વર્ચસ્વ

સુરતમાં પરપ્રાંતીય નિર્ણાયક વોર્ડની વાત કરવામાં આવે તો મરાઠી સમાજને અસર કરતા 13 જેટલા વોર્ડ છે, જ્યારે ઉત્તર ભારતીયોની સંખ્યા જે વોર્ડમાં સૌથી વધારે છે, તેવા વોર્ડની સંખ્યા 10 છે. જેમાં ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને મધ્ય પ્રદેશના લોકો રહે છે. રાજસ્થાન સમાજ 4 વોર્ડમાં વધારે રહે છે, જ્યારે ઓરિસ્સા સમાજના પણ 4 વોર્ડમાં છે. આ તમામ વોર્ડને જોડવા પર કુલ 15 જેટલા એવા વોર્ડ છે જેની ઉપર પરપ્રાંતીય સમાજનું વર્ચસ્વ રહેલું છે. આ સાથે જ વોર્ડ નંબર 18, 19, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29 અને 30 પરપ્રાંતીય સમાજના લોકોનું ગઢ છે.

પરપ્રાંતના લોકોને સુરતમાં રોજગારી

આ અંગે સુરતના વરિષ્ઠ પત્રકાર યજુવેન્દ્ર દુબેએ જણાવ્યું હતું કે, સુરતમાં આશરે 2થી 3 પેઢીથી અન્ય પ્રાંતના લોકો અહીં આવીને વસે છે. સુરત આ પરપ્રાંતીય લોકોને રોજગારી આપે છે. જેના કારણે પિતા બાદ પુત્ર પણ અહીં રહેવા આવે છે. સુરતના વિકાસમાં પરપ્રાંતીય સમાજના લોકોનું મહત્વનું યોગદાન છે અને સત્તામાં આવેલી પાર્ટી પણ તેમની સુવિધાઓ માટે કટિબદ્ધ રહે છે. આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ મળી રહે એ માટે ગત કેટલાક વર્ષોથી કવાયત હાથ ધરવામાં આવી છે. જેથી દિવસેને દિવસે સુરતમાં પરપ્રાંતીય સમાજના લોકોની સંખ્યા વધી રહી છે. આ વધતી સંખ્યા જોઈને કોંગ્રેસ અને ભાજપ બન્ને તેમને પ્રતિનિધિત્વ આપતા વિચારતા નથી.

આર્થિક સમસ્યાનું નિરાકરણ આવવું ખૂબ જરૂરી

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પ્રાથમિક સુવિધાઓની સમસ્યા હવે પૂર્ણ થવા લાગી છે, પરંતુ અસંગઠિત શ્રમિકોમાં જે પણ આર્થિક સમસ્યા છે તેનું નિરાકરણ આવવુ ખૂબ જ જરૂરી છે. તેમના પગાર ધોરણમાં વધારો થાય અને એક નિશ્ચિત સમયમર્યાદામાં તેઓ કામ કરે તે અંગે ક્યાસ કાઢી લેવો જોઈએ. કોઈ દુર્ઘટનામાં શ્રમિકનું મોત થાય તો તેમને યોગ્ય રીતે વળતર પણ મળતું નથી. આમ છતાં પોતાના રાજ્યમાં રોજગારની અસુવિધા હોવાના કારણે તેઓ સુરત આવીને વસે છે અને પોતાના કર્મ ભૂમિ માટે સમર્પિત થઈ જતા હોય છે.

ABOUT THE AUTHOR

...view details