સુરત અને અમરોલી વિસ્તારમાં કરોડોના પ્રોજેકટમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય અને નેતા નરોત્તમ પટેલના પુત્ર કીર્તિ પટેલ સહિત પૌત્ર જીગર પટેલ સામે વગર પૈસે ભાગીદારી કરી હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે. સુરતના બિલ્ડર અને સાથી ભાગીદાર શંકર કુરબૂરેએ આરોપ લગાવ્યો છે કે, છેલ્લા 4-5 વર્ષથી અમરોલી અને સુરતમાં ચાલી રહેલા પ્રોજેકટમાં રોકાણકારો, રો- મટિરિયલ સપ્લાયર સહિતના તમામ લોકોના લાખો રૂપિયા ફસાઈ ગયા છે. 10 અને 20 પૈસાની ભાગીદારીમાં પ્રોજેકટ શરૂ થયા બાદ એક પણ રૂપિયાનું નિવેશ ભાજપ નેતાના પુત્ર અને પૌત્ર દ્વારા કરવામાં આવ્યું નથી. તેમ છતાં અમરોલી ખાતે શરૂ કરવામાં આવેલા માન સરોવર કાઉન્ટરી નામના પ્રોજેકટમાં 6 થી 7 બંગલાની માંગ ખોટી રીતે કરવામાં આવી રહી છે.
ભાજપના પૂર્વ ધારાસભ્ય તથા પુત્ર સામે ધમકી આપવાનો આરોપ, નોંધાઇ પોલીસ ફરીયાદ
સુરત: ભાજપના પૂર્વ ધારાસભ્ય અને નેતાના પુત્ર સામે પ્રોજેક્ટ અટકાવી દેવાની સાથે ધમકી આપવા બાબતે આરોપ લગાવવામાં આવ્યો છે. જો કે, નેતાના પુત્રના ભાગીદારો દ્વારા જ આ પ્રકારના આરોપ લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, પ્રોજેકટમાં નિવેશ કર્યા વિના જ કરોડો રૂપિયાની માંગ પણ કરવામાં આવી રહી છે. સાથે જ પ્રોજેક્ટમાંથી બહાર નીકળવા માટે પણ 6થી 7 જેટલા બંગલાઓની માંગણી કરવામાં આવી હતી. જ્યાં ભાગીદારોએ ન્યાયના પોકાર સાથે સુરત પોલીસ કમિશ્નર કચેરી ખાતે ફરિયાદ નોંધાવી હતી.
આરોપ લગાવનારા શંકરભાઈએ જણાવ્યું કે, પ્રોજેકટમાં 20 ઓએઉસની ભાગીદારી છે, જ્યારે કીર્તિ પટેલ અને જીગર પટેલની 10-10 પૈસાની ભાગીદારી છે. પ્રોજેકટ શરૂ કરવા 2-2 કરોડ કંપનીમાં આપવાના હતા. જ્યારે બાકીના બુકીંગના આવેલા રૂપિયામાંથી પ્રોજેકટ પૂર્ણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જો કે, ભાજપ નેતાના પુત્ર સહિત પૌત્ર દ્વારા એક એક હપ્તો ભરી બાકીની રકમ આપવાનો સાફ ઇન્કાર કરવામાં આવ્યો હતો. આ સાથે જ પ્રોજેકટ અટકાવી દેવાની પણ ધમકી આપવામાં આવી હતી. ભાગીદારનો આરોપ છે કે, તેઓ ભાજપના નેતાના પુત્રની ધમકીથી કંટાળી ગયા છે અને જો તેમને કાંઈ પણ થશે તો તેના માટે કીર્તિ પટેલ સહિતના ભાગીદારો જવાબદાર રહેશે.
આ અંગે સુરત પોલીસ કમિશ્નર કચેરી ખાતે લેખિતમાં અરજી પણ આપવામાં આવી છે અને ન્યાયનો પોકાર કરવામાં આવ્યો છે.