- ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ એસોસિએશન પાસે ચિટીંગ કરતા દલાલોનું લિસ્ટ
- દર વર્ષે કાપડ બજારમાં આશરે 100થી 150 કરોડ રૂપિયાના ઉઠામણા થાય છે
- આ પ્રકારની ચિટીંગને લઈને એસોસિએશન દ્વારા ગૃહપ્રધાનને પણ કરાશે રજૂઆત
સુરત: કોરોના મહામારી દરમિયાન રાજ્યભરમાં ધંધા ઉદ્યોગો પડી ભાંગ્યા હતા. જેમાં સુરતના કાપડ બજારનો પણ સમાવેશ થાય છે, પરંતુ કોરોના મહામારી મંદ પડતા પડી ભાંગેલા ઉદ્યોગો ફરી વખત ઉભા થવા લાગ્યા છે. સુરતમાં કાપડ બજારમાંથી જ દર વર્ષે આશરે 100થી 150 કરોડ રૂપિયાના ઉઠામણા થતા હોય છે. આ ઉઠામણા કરાવવામાં ચિટીંગ ગેન્ગના સભ્યોનો સમાવેશ થાય છે. જેને લઈને ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ એસોસિએશન (Federation of Gujarat weavers association) પાસે ચિટીંગ ગેન્ગ સાથે સંકળાયેલા 250થી વધુ દલાલોના નામનું લિસ્ટ હોવાનું અને આગામી દિવસોમાં આ લિસ્ટ ગૃહ રાજ્ય પ્રધાનને સોંપવાનું એસોસિએશનના પ્રમુખે જણાવ્યું છે.
કાપડ બજારમાં ચિટીંગ કરતા 250થી વધુ દલાલોના નામ જાહેર કરવાની વિવર્સ એસોસિએશનની ચિમકી ચિટીંગ સાથે સંકળાયેલા સૌથી વધુ લોકો રાજસ્થાની
કોરોનાકાળમાં અટવાયેલા પેમેન્ટને લઈને તેમજ ચિટીંગ કરીને ઉઠામણા થતા અટકાવવા માટે 2 જુદી જુદી કમિટી બનાવવામાં આવી છે. કાપડ બજારમાં થતા આયોજનપૂર્વકના ઉઠામણાને લઈને વેપારીઓને ખૂબ જ નુક્સાન થઈ રહ્યું છે. ત્યારે આ અંગે એસોસિએશનના પ્રમુખ અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, અમારી પાસે અત્યાર સુધીમાં 250 જેટલી ફાઈલ્સ આવી છે. આ ફાઈલોમાં ચિટીંગ કરનારી ગેન્ગ્સ અને તેની સાથે સંકળાયેલા દલાલોની યાદી પણ છે. ચિટીંગ કરવામાં સૌથી વધારે રાજસ્થાની, સૌરાષ્ટ્રના તેમજ કાઠિયાવાડના લોકો હોવાનું સામે આવ્યું છે. જો આ ચિટીંગ કરનારાઓ પોતાના ગોરખધંધા બંધ નહીં કરે તો આગામી દિવસોમાં તેમના નામ જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત તાજેતરમાં જ સુરતમાંથી સૌથી યુવા ગૃહપ્રધાન તરીકેનો ચાર્જ સંભાળનારા હર્ષ સંઘવીને પણ આ અંગે રજૂઆત કરવામાં આવશે.