સુરત: લોકડાઉનનો ચુસ્ત પાલન થાય તે માટે શહેરના ક્લસ્ટર ક્વોરનટાઇન વિસ્તારમાં CRPF અને CISF દ્વારા બાઝ નજર રાખવામાં આવશે. સુરત માટે ખાસ પાંચ અને CRPF અને CISF ની બે કંપની ફાળવવામાં આવી છે. કુલ 3200 પોલીસના જવાન, ટ્રાફિક બ્રિગેડના 1500 જવાનો અને હોમગાર્ડના 1000 જવાનો લોકડાઉનના બંદોબસ્તમાં જોડાયા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 દિવસના લોકડાઉન પૂર્ણ થવાના છેલ્લા દિવસે દેશને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે 3 મે સુધી લોકડાઉન વધારવા માટેની જાહેરાત કરી છે. આ અંગે તમામ રાજ્યોને દિશા નિર્દેશ પણ આપી દેવામાં આવ્યા છે, સુરતમાં પણ લોકડાઉન માટે તંત્રે તૈયારી શરૂ કરી છે.
સુરતના ક્લસ્ટર ક્વોરનટાઈન વિસ્તારમાં CRPF અને CISF ટીમ તહેનાત
લોકડાઉન દરમિયાન સુરત માટે ખાસ 5 પોલીસ ટીમ, CRPF અને CISFની બે કંપની ફાળવવામાં આવી છે. કુલ 3200 પોલીસના જવાન, ટ્રાફિક બ્રિગેડના 1500 જવાનો અને હોમગાર્ડના 1000 જવાનો લોકડાઉનના બંદોબસ્તમાં જોડાયા છે.
શહેરના પોલીસ કમિશ્નર રાજેન્દ્ર બ્રહ્મભટ્ટે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે, આજે લોકડાઉનનો પહેલો તબક્કો પૂર્ણ થયો છે અને આજથી બીજો તબક્કો શરુ થયો છે, આટલા દિવસ સુરતના લોકોએ લોકડાઉનના નિયમો પાળ્યા છે, ત્યારે આગામી દિવસોમાં પણ લોકો નિયમ પાળશે તો 20મી એપ્રિલથી મળનારી છૂટનો લાભ મળી શકશે.
વધુમાંં તેમણે કહ્યું કે, જે વિસ્તારોને ક્લસ્ટર જાહેર કરવામાં આવ્યા છે, ત્યાં એસ.આર.પી અને પેરા મિલેટ્રીનો ઉપયોગ કરવામાં આવશે. જેથી આ વિસ્તારોમાં અસરકારક અમલ કરી શકાય. સુરતમાં પરપ્રાંતીય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં રહે છે. આ ઉપરાંત પોલીસ ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં લોકોને શાંતિ જાળવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આ સાથે જ ડ્રોન કેમેરો અને સોશિયલ મીડિયાની મદદથી લોકો પર નજર રાખવામાં આવી રહી છે, આવા 150થી વધુ ગુનાઓ પણ દાખલ કરવામાં આવ્યા છે.