- ફેસબુક પર કોલ કરી અશ્લીલ વીડિયો ઉતાર્યો
- વીડિયો વાઇરલ થતા નગરસેવક સામે લેવાયા પગલાં
- ઓનલાઈન હનીટ્રેપથી પૈસા પડાવતી ગેંગ સક્રિય
બારડોલી : સુરત જિલ્લાના બારડોલી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ફેસબુક પર વીડિયો કોલ કરી યુવકોને હનીટ્રેપમાં ફસાવવાની ઘટના સામે આવી રહી છે. ત્યારે બારડોલી નગરપાલિકાના નગરસેવક દક્ષેશ શેઠ પણ આ ઓનલાઈન હનીટ્રેપનો શિકાર બન્યા છે. તેમનો આ વીડિયો વાઇરલ થતા જ પાર્ટીની છબી ખરડાતી હોવાનું જણાવી સુરત જિલ્લા ભાજપ દ્વારા તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
1 મિનિટ 50 સેકન્ડનો વીડિયો વાઇરલ
બારડોલી નગરપાલિકાના ભાજપી નગર સેવક દક્ષેશ શેઠનો 1મિનિટ અને 50 સેકન્ડનો અશ્લીલ વીડિયો વાઇરલ થયો છે. ઘણા સમયથી એક ગેંગ સક્રિય થઈ છે જે ફેસબુક પર યુવતીના નામે ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી મિત્રતા કેળવે છે. ત્યારબાદ વાતોમાં ભોળવી વીડિયો કોલ કરવામાં આવે છે અને ત્યારબાદ સામે યુવતી અશ્લીલ હરકતો કરે છે અને ભોગ બનનારને પણ આવી જ હરકત કરવાનું કહેવામાં આવે છે. જેનું વીડિયો રેકોર્ડિંગ બાદ એ વીડિયો ભોગ બનનારને મોકલી મોટી રકમની માંગ કરવામાં આવે છે. જો રકમ નહીં આપવામાં આવે તો વીડિયો વાઇરલ કરવાની ધમકી અપાય છે.