- સુરતના પોર્શ વિસ્તારમાંથી શંકાસ્પદ હાલતમાં યુવતી મળી
- એક દિવસ પહેલી લિંબાયત વિસ્તારમાંથી ગુમ થઈ હતી
- કોલેજમાં અભ્યાસ કરતી યુવતી કોલેજનું ફોર્મ ભરવાનું કહી નીકળી હતી
સુરતઃ શહેરના પોર્શ વિસ્તારમાંથી રહસ્યમય સંજોગોમાં એક 19 વર્ષીય વિદ્યાર્થિની ઈજાગ્રસ્ત હાલતમાં મળતા ચકચાર મચ્યો છે. યુવતી એક દિવસ પહેલા લિંબાયત વિસ્તારમાંથી ગુમ થઈ હતી. આ યુવતી પોતાના ઘરથી દૂર ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવી છે. ઘટનામાં યુવતીને ઈજાગ્રસ્ત હાલતમાં સૌપ્રથમ જોનારા વ્યક્તિ પ્રમાણે યુવતી બિલ્ડિંગમાંથી પડી હોવાનું સામે આવ્યું છે. ઇજાગ્રસ્ત હાલતમાં મળેલી યુવતીને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.
સુરતમાં 19 વર્ષીય યુવતી ઈજાગ્રસ્ત હાલતમાં મળતા ચકચાર જીન્સ અને લાલ રંગના ટી-શર્ટમાં યુવતી પડી હતી
શહેરના પોર્શ વિસ્તારની આસપાસની એક સોસાયટીના બિલ્ડીંગના કેમ્પસમાં અચાનક જ એક યુવતીના પડવાના અવાજથી લોકો ચોંકી ઉઠ્યા હતા. બિલ્ડિંગના વોચમેનના પરિવારના એક સભ્યને અવાજ આવતા ઘરની બહાર નીકળી જોયું તો એક યુવતી ઈજાગ્રસ્ત હાલતમાં પડી હતી. યુવતીને પ્રથમ જોનારા આયુષે જણાવ્યું હતું કે, અમે જમી રહ્યા હતા ત્યારે અચાનક જ અવાજ આવતા દોડીને બહાર આવ્યો. ત્યારે જીન્સ અને લાલ રંગના ટી-શર્ટમાં યુવતી પડી છે. તેમજ મદદ માટે બુમો પાડી રહી હતી. તેને ઈજાઓ અને ફેક્ચર થયું હતું. આ અંગે અમે બિલ્ડિંગમાં રહીશોને જાણકારી આપી અને બિલ્ડિંગના રહીશોએ પોલીસને જાણ કરી હતી. તેને હોસ્પિટલ લઇ જવામાં આવી હતી.
કોલેજમાં ફોર્મ ભરવાનું કહી ઘરેથી નીકળી હતી
ઘટના સ્થળે પોલીસ અને FSLની ટીમ પહોંચી અને સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરી હતી. બિલ્ડિંગની છત પરથી યુવતીનો તૂટેલો મોબાઇલ ફોન અને સીમ કાર્ડ મળી આવ્યુ હતુ. વધુ તપાસમાં જાણવા મળ્યું હતું કે, યુવતી કોલેજમાં અભ્યાસ કરે છે અને કોલેજમાં ફોર્મ ભરવાનું કહી ઘરેથી નીકળી હતી. યુવતીના પરિવારને કોઈ જાણકારી ન મળતાં પરિવારે વારંવાર ફોન કર્યો હતો. પરંતુ તેણીનો ફોન પણ સ્વિચ ઓફ આવી રહ્યો હતો. જેથી તેઓએ પોલીસને જાણ કરી હતી.
CCTV કેમેરાના આધારે પોલીસે તપાસ શરૂ કરી
પોલીસે યુવતી ઘટનાસ્થળે કેવી રીતે પહોંચી? કેવી રીતે રહસ્યમય સંજોગોમાં બિલ્ડિંગમાંથી પડી ? આ અંગેની તપાસ શરૂ કરી છે. યુવતી સાથે કોણ હતું ? તે કોની સાથે આવી હતી ? તે અંગે પણ તપાસ સીસીટીવી કેમેરા થકી પોલીસે તપાસ શરૂ કરી છે.
હત્યાના પ્રયાસ અને દુષ્કર્મની આશંકાએ ગુનો દાખલ
આ અંગે ઉમરા પોલીસના ડીસીપી વિધિ ચૌધરીના જણાવ્યા મુજબ, યુવતીની હાલત એટલી ગંભીર હતી કે તેને મલ્ટીલેવલ ફેક્ચર થયુ હતુ. આથી તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી અને તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. બીજી તરફ મેડિકલ તપાસ કરાવતા યુવતીની હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તથા તેની સાથે દુષ્કર્મ પણ આચર્યું હોવાનું બહાર આવ્યું હતું. જેથી ઉમરા પોલીસે તાત્કાલિક આ ઘટનામાં અજાણ્યા આરોપી વિરુદ્ધ કલમ 307 અને 376 મુજબ ગુનો નોંધ્યો હતો. પોલીસની અલગ અલગ ટીમ દ્વારા અલગ-અલગ વિસ્તારમાં ફરી સીસીટીવી ફૂટેજની મદદથી આરોપી સુધી પહોંચવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, યુવતી આ એપાર્ટમેન્ટ સુધી કઈ રીતે પહોંચી અને તે ઇજાગ્રસ્ત કઈ રીતે થઈ તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
સુરતમાં 19 વર્ષીય યુવતી ઈજાગ્રસ્ત હાલતમાં મળતા ચકચાર