સુરત: કોરોનાને કારણે સમગ્ર દેશમાં હાલ લોકડાઉન ચાલી રહ્યું છે. લોકડાઉનને કારણે કેટલાક લોકો એવી જગ્યાએ ફસાયા છે કે ત્યાંથી પરત આવતા તેમને થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે હરિદ્વાર ગયેલા સુરતના 20 યાત્રિકો આજે સુરત આવી પહોંચ્યા છે. લોકડાઉનના કારણે ગુજરાત અને સુરતમાંથી ઉત્તરાખંડ ફસાઈ ગયેલા લોકોની હાલત કફોડી બની હતી.
15મી માર્ચના રોજ આ યાત્રીઓ હરિદ્વાર કથા માટે ગયા હતા અને ત્યારબાદ કોરોનાના લીધે અચાનક સમગ્ર ભારત લોકડાઉન થતાં 42 દિવસથી ગુજરાતના 33 લોકો હરિદ્રાર ફસાઈ ગયા હતા. જેમાંથી 20 સુરતના અને 13 અમદાવાદના યાત્રિકો હતા.
હરિદ્વારમાં ફસાયેલા 20યાત્રીઓ સુરત પરત આવ્યા, તમામને રખાયા ક્વોરેનટાઇન આ 33 યાત્રીઓએ માધવાનંદ આશ્રમમાં આશરો લઈ રહ્યાં હતાં. જેમાંથી સુરતના કનુભાઈએ 13 એપ્રિલના રોજ સામાજિક કાર્યકર પ્રતિભા દેસાઈનો કોન્ટેક્ટ કર્યો હતો. તેમના દ્વારા 33 યાત્રિકોને પોત પોતાના વતન આવવા વ્યવસ્થા કરવામાં આવી હતી.
મહત્વની વાત એ છે કે, સુરત આવનાર 20 યાત્રીઓનું ઉત્તરાણ હેલ્થ સેન્ટર પર ચેક અપ કરાવી લેવામાં આવ્યું છે અને આવનાર 14 દિવસ સુધી 33 અને 38 એમ મળીને 71 યાત્રીઓને ફરજીયાત 14 દિવસ સુધી હોમ કોરોન્ટાઈમાં રહેવાની શરતે જ લાવવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, અન્ય 4 બસમાં 250 ફસાયેલા યાત્રીઓ ગુજરાત સરકારની બસોમાં ગુજરાત આવશે. જેમાં 38 યાત્રીઓ સુરતના છે. 12 દિવસની મહેનત બાદ તમામ યાત્રીઓ સુરત આવશે એમ પ્રતિભા દેસાઈએ જણાવ્યું હતું. ગુજરાતના 8 ડ્રાઇવર સહિત 22 જણાનો સ્ટાફ ઉત્તરાખંડમાં પહોંચી ગયો છે.
એડવોકેટ પ્રતિભા દેસાઈએ જણાવ્યું હતું કે, યાત્રીઓમાંથી ઘણા એવા હતા જેમને પ્રેશર અને સુગર જેવી બિમારીઓ હોવાથી તેઓ ખૂબ જ ગભરાયેલા હતા. હરિદ્વારમાં તેમની પાસે રૂપિયા ખૂટી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. યાત્રિકો માધવાનંદ આશ્રમમાં આશરો લઈ રહ્યાં હતાં. જેથી ગુજરાત સરકારમાં મંત્રીજયેશ રાદડીયા સાથે વાત કરી ઉત્તરાખંડમાં સેવા આપતા હર્ષદભાઈનો સંપર્ક આપ્યો હતો. તેઓ યાત્રીઓને કીટનું વિતરણ કરવા ગયા હતા ત્યારે યાત્રીઓએ આશ્રમ દ્વારા વ્યવસ્થા હોવાનું જણાવી માત્ર સુરત જવા માટે પરવાનગી મેળવી આપવા કહ્યું હતું. પરવાનગી મળતા જ તેઓ ખાનગી બસ દ્વારા સુરત આવી પહોંચ્યા હતા. આ 33 યાત્રીઓ માંથી 20 મહિલા છે અને 13 પુરુષો છે.
વેડરોડ ખાતે રહેતા નાગજીભાઈ ગુજરાતી કહે છે, સાંસદ દર્શનાબેન, કુમાર કાનાણી, તેમજ વિનુભાઈ મોર્ય, પ્રતિભાબેનના અમે આભારી છીએ. નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ એ પણ અમારા હાલચાલ પૂછી જે વ્યવસ્થાની જરૂર હોય એ પૂરી પાડવાનું કહ્યું હતું. જમવાની વ્યવસ્થા આશ્રમમાં હતી. 40 લગભગ દિવસ બાદ અમે સુરત આવી પહોંચ્યા છે.