સુરત શહેરમાં આવેલા કૈલાશનગર જૈન સંઘમાં રહેતી 16 વર્ષિય ક્રીમા ધોરણ 10માં બોર્ડની પરીક્ષા પાસ કરી પરમાત્માની પરીક્ષા આપવા જઇ રહી છે. ધોરણ દસની પરીક્ષામાં પાસ થયા બાદ સાગર સમુદાયના બંદુ બેલડી સાથે વેકેશનમાં તે મુંબઈ વિહાર માટે ગઈ હતી. જ્યાં સમયનો રંગ એટલો પાકો લાગ્યો કે, 19 મેના રોજ તે દીક્ષા લેવાની છે.
દીક્ષા નગરી સુરતમાં ધોરણ 10માં 82% મેળવનારી 16 વર્ષીય ક્રીમા કરશે દીક્ષા ગ્રહણ
સુરત: દીક્ષા નગરી તરીકે ઓળખ ઉભી કરનારા સુરતમાં ફરી એક અનોખા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. ધોરણ 10માં 82% મેળવ્યા બાદ કોઈ સારી કોલેજમાં એડમિશન લેવાના બદલે 16 વર્ષીય ક્રીમા દીક્ષા લેવા જઈ રહી છે. ધોરણ 10માં પરીક્ષા આપ્યા બાદ હવે ક્રીમા પરમાત્માની પરીક્ષા આપવા જઇ રહી છે.
સાગર સમુદાયના બંદુબેલડી આચાર્ય જીન ચંદ્ર સાગરસુરિની નિશ્રામાં કૈલાશનગર જૈન સંઘમાં 19 મેના રોજ 16 વર્ષની મુમુક્ષુ ક્રીમા આ દીક્ષા લઈ રહી છે. માતા પિતાના સંતાનમાં બે દીકરીઓ જ છે. તેમાં મોટી દિકરી પ્રિમાએ 15 વર્ષની ઉંમરે 4 વર્ષ પહેલા દીક્ષા લીધી હતી. હવે 16 વર્ષની ઉંમરે નાની દીકરી દીક્ષા લઇ રહી છે. જેને લઈને પરિવારમાં આનંદનો માહોલ છે. ક્રીમા ધોરણ-10ની પરીક્ષા આપી ગુરૂભગવંતોના વિહારમાં ગત વર્ષે જોડાઈ હતી. ચાર મહિનાના વેકેશન પછી રીઝલ્ટમાં તેના બોર્ડમાં 82% આવ્યા છે. પરંતુ ત્યાં સુધીમાં તેને સંયમનો રંગ ચડી ગયો હતો. તેને ઘરે આવવાની ના પાડી 6 મહિના પછી તેને દીક્ષાની રજા માંગી. ક્રીમાના આ નિર્ણય પર પરિવારના લોકોએ મંજુરી આપી દીધી હતી.
આ અંગે ક્રીમાએ જણાવ્યું હતું કે, નિર્ણય આવ્યા બાદ મને હવે સંસારમાં જવાની ઈચ્છા જ નથી. અહીં મને ખબર પડી કે આપણા મોજશોખમાં આપણે કેટલા જીવોની હત્યા કરી રહ્યા છે. તેનું પરિણામ ભોગવવાનું સહન નહીં કરી શકીએ આથી દીક્ષા લઇ રહી છું.