- ભાજપનાં ઉમેદવારોમાં આંતરિક ગણગણાટ
- વોર્ડ નંબર 18માં કોળી સમાજ મેદાને આવ્યો
- થાય તેટલું નુકસાન કરવાનો કોળી સમાજનો પ્લાન
રાજકોટ: ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલનો નવો નિયમ નેતાઓને નડી ગયો હોવાનું જણાઈ રહ્યું છે. પરંતુ ભાજપની પોલિસી મુજબ આંતરિક કચવાટ સપાટી પર નથી આવ્યો છતાં આંતરિક ગણગણાટ જોવા મળ્યો હતો.
ભાજપમાં પણ ટિકિટ માટે થયો કચવાટ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ આગેવાનોની ટિકિટ માટેની ખેંચતાણે લાગણી અને માગણીના દ્રશ્યો સર્જ્યા છે. જ્યારે વોડ નંબર 18માં કોળી સમાજને ટિકિટ ન મળતા રવિવારના રોજ વિરોધ દર્શાવામાં આવ્યો હતો. રાજકોટમાં ટિકીટનો કકળાટ વધુ વકરતા ભાજપની મુશ્કેલી વધી હતી જેમાં શહેરના વોર્ડ નંબર 18માં કોળી સમાજ મેદાને આવ્યો હતો. ભાજપે કોળી સમાજને અન્યાય કર્યો છે અને ભાજપનાં નેતાઓએ પ્રવેશ કરવો નહીં સહિતના પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. વોર્ડ નંબર 18માં કોળી સમાજનું વર્ચસ્વ હોવા છતાં સમાજના વ્યક્તિને ટિકિટ નહી મળતા ઠેર ઠેર પોસ્ટર લગાવવામાં આવ્યા હતાં. ટિકિટ કપાતા તેમણે ભાજપ સામે મોરચો માંડયો હતો.
કાર્યકર્તાઓ બળવો કરે તેવા એંધાણ
રાજકોટનું રાજકારણ ગરમાયું છે. આમ બન્ને પક્ષમાં કેટલાક દાવેદારોએ ટિકિટની યાદી જાહેર થતા જ અન્ય પક્ષમાંથી ટિકિટ મેળવી ચૂંટણી જંગ ખેલવાનો ઇરાદો બનાવી લીધો છે. જાહેરમાં તો પક્ષના કોઇ પણ ઉમેદવારને જીતાડી દેવાની વાતો કરી રહ્યા છે, પરંતુ જો પોતાનું નામ ટિકિટની યાદીમાં ન આવ્યું તો પક્ષમાં જ રહીને ચૂંટણીમાં થાય તેટલું નુકસાન કરવાના પ્લાન પણ ઘડી રહ્યા છે.