- રાજકોટના 163 ગામોમાં વીજ પુરવઠો ફરી શરૂ
- ભાર વરસાદના કારણે વીજપોલ, ફિડર અને ટ્રાન્સમીટરને થયું હતું નુકસાન
- PGVCLએ 41 ટીમો બનાવી ઝડપી કામગીરી કરી
રાજકોટ: રાજકોટ જિલ્લાના લોધિકા-જામ કંડોરણા સહિતના તાલુકાઓમાં 15થી 20 ઇંચ જેટલા ભારે વરસાદના કારણે વિવિધ સ્થળોએ વીજપોલ, ફિડર તથા ટ્રાન્સમીટરને નુકસાન પહોંચ્યુ હતું. રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં PGVCLએ વીજળીવેગે કામ કરીને 163 ગામોમાં વીજ પુરવઠો ફરી શરૂ કરી દીધો છે. અમુક ગામોમાં તો માત્ર ગણતરીના કલાકોમાં મોટા પાયે કામગીરી કરવામાં આવી છે. અત્યારે રાજકોટ જિલ્લાનું એક પણ ગામ એવું નથી કે જ્યાં ભારે વરસાદ અને પૂરને લીધે અસરગ્રસ્ત લાઇનના કારણે વીજ પુરવઠો બંધ હોય. આમ PGVCL દ્વારા રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક ટીમોનું ગઠન કરીને કામગીરી કરવામાં આવી હતી.
163 ગામોમાં 41 ટીમો બનાવવામાં આવી
PGVCLના એમ.ડી. ધીમંતકુમાર વ્યાસના માર્ગદર્શન હેઠળ તેમજ ચીફ એન્જિનિયર જે.જે. ગાંધીના સંકલન અને સુપ્રિટેન્ડન્ટ એન્જિનિયર પી.સી. કાલરીયની દેખરેખ હેઠળ રાજકોટ જિલ્લામાં વીજ પુરવઠો ખોરવાયો હતો. તેવા 163 ગામોમાં 41 ટીમો બનાવવામાં આવી હતી, જેમાં લોધિકા સહિતના તાલુકાના ગામોમાં વીજ થાંભલા પડી ગયા હોય કે નુકસાનગ્રસ્ત થયા હોય ત્યાં 26 ટીમોએ ફાઉન્ડેશન કામ કર્યું હતું. જ્યારે ડિપાર્ટમેન્ટની 15 ટીમોએ વીજ લાઇન પુન:સ્થાપિત કરી રિસ્ટોરેશનની કામગીરી કરવામાં આવી હતી.