- રાજકોટ એઇમ્સમાં 50 બેડની ઇન્ડોર પેશન્ટની સારવારના થશે શ્રીગણેશ
- ગુજરાતની પ્રથમ એઇમ્સના નિર્માણની પ્રક્રિયા હાલ જોરશોરમાં
- પ્રારંભ સાથે સમગ્ર સૌરાષ્ટ્રના જરૂરિયાતમંદોને ઉચ્ચ કોટિની મળશે સારવાર
રાજકોટઃ શહેર ખાતે સમગ્ર ગુજરાતની પ્રથમ એઇમ્સ(AIIMS)ના નિર્માણની પ્રક્રિયા હાલ જોરશોરથી ચાલી રહી છે. પરાપીપળીયા ગામ પાસે 201 એકરમાં 750 બેડની મલ્ટી તેમજ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અને એકેડેમિકની સુવિધા સાથે નિર્માણાધીન એઇમ્સ ખાતે વિવિધ બિલ્ડીંગ સ્ટ્રકચર અને લેવલીંગ પ્રક્રિયા ઉતરોતર પ્રગતિ કરી રહી છે, ત્યારે વડાપ્રધાન નરેદ્ર મોદીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, તેમજ મુખ્યપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ સમાન એઇમ્સની કલેકટર રેમ્યા મોહને તેમના કલેકટરના કાર્યકાળના છેલ્લા દિવસે સાઈટ વિઝીટ કરી કામગીરીની સમીક્ષા કરી હતી.
એઇમ્સના પ્રારંભે સમગ્ર સૌરાષ્ટ્રના જરૂરિયાતમંદ દર્દીઓને લાભ
કલેક્ટર રેમ્યા મોહને આ તકે કામગીરીથી સંતોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, રાજકોટ ખાતે એઇમ્સ નિર્માણમાં શરૂઆતથી જ જિલ્લા વહીવટી તંત્ર અને રૂડા દ્વારા જરૂરી તમામ સહયોગ પૂરો પાડવામાં આવી રહ્યો છે. એઇમ્સ સાથે રોડ કનેક્ટિવિટી, જમીન અધિગ્રહણ, પબ્લિક એમેનીટીઝ માટે જરૂરી કાર્ય ત્વરિત રીતે પૂર્ણ કરાયા છે. તેમણે આનંદ સાથે જણાવ્યું હતું કે, એઇમ્સના પ્રારંભ સાથે સમગ્ર સૌરાષ્ટ્રના જરૂરિયાતમંદ દર્દીઓને ઉચ્ચ કોટિની સારવારનો લાભ મળશે.
આ પણ વાંચોઃ રાજકોટ એઇમ્સમાં ડિસેમ્બરમાં OPD શરૂ કરવા તંત્રની તૈયારી
2022માં ઈન્ડોર પેશન્ટની સારવાર થશે શરૂ
એઈમ્સના ડાયરેક્ટર ડૉ. (કર્નલ) સી.ડી.એસ. કટોચે જણાવ્યું હતું કે, ડિસેમ્બર-2021માં ઓ.પી.ડી. અને જૂન -2022 આસપાસ અમે ઈન્ડોર પેશન્ટની સારવાર કરી શકીએ તે માટે જરૂરી ઇન્ફ્રાસ્ટક્ચર પૂર્ણ થાય તે તરફ હાલ અમારું ફોકસ છે. હાલ નાઈટ શેલ્ટર પૂર્ણતાને આરે છે. જેમાં ઓ.પી.ડી. શરુ કરાશે. સાથો-સાથ આયુષ બ્લોકની કામગીરી ચાલી રહી છે. જ્યાં ઈ.એન.ટી., મેડિસિન, ગાયનેક, સર્જરી સહિતના વિભાગની 30થી 50 જેટલા બેડની હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવશે, ત્યારબાદ એકેડમિક, હોસ્ટેલ્સ, હાઉસિંગ બ્લોકના નિર્માણ હાથ ધરાશે. જે માટે જરૂરી ડૉક્ટર્સ, મેડિકલ ટીમ અને અન્ય સ્ટાફની ભરતી તેમજ ઇકવીપમેન્ટ ખરીદી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
ભવિષ્યમાં મોરબી તરફથી ડાયરેક્ટ એઇમ્સ સાથે રોડ કનેક્ટિવિટી
રાજકોટ ગ્રામ્ય પ્રાંત અધિકારી વીરેન્દ્ર દેસાઈએ વહીવટી તંત્રની ભૂમિકા વિષે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, એઇમ્સ માટે જરૂરી જમીન અધિગ્રહણ પ્રક્રિયા પૂર્ણ કરાઈ છે. રૂડા, કોર્પોરેશન તેમજ આર. એન્ડ. બી. ના સહયોગથી એઇમ્સના બંને ગેઈટ તરફ 90 મીટરનો ‘‘સી’’ રોડ, એઇમ્સને કનેક્ટિવિટી માટે માધાપરથી મોરબી રોડથી એઇમ્સ તરફ 10 મીટરના રોડના નિર્માણની પ્રક્રિયા હાલ ચાલુ છે. એઇમ્સને ઘંટેશ્વર તરફ જોડતા જામનગર રોડ તરફ 90 મીટરના અડધા રોડની કામગીરી ચાલું છે તેમજ એઇમ્સના પાછળના ભાગે પરાપીપળીયા સાથે જોડતા 10 મીટરના રોડની કામગીરી પણ હાલ કાર્યરત છે. ભવિષ્યમાં મોરબી તરફથી ડાયરેક્ટ એઇમ્સ સાથે રોડ કનેક્ટિવિટી હાથ ધરાશે તેમજ ખંઢેરી રેલવે સ્ટેશને પબ્લિક સુવિધામાં ઉમેરો કરવાની કામગીરી ચાલી રહી છે.