ખાસ કરીને અકસ્માત નિવારણ માટે વિવિધ પગલાઓ અમલી કરવા કડક સૂચના આપવામાં આવી હતી. તેમજ ટુ વહીલર્સ વિક્રેતાઓ દ્વારા વાહનની સાથોસાથ હેલ્મેટ આપવું ફરજીયાત હોય છે પરંતુ મોટા ભાગના ઓટો વિક્રેતા તેનો ચુસ્ત અમલ કરતા ન હોવાથીતેમના પર RTO તેમજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દંડનીય કાર્યવાહી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
વાહનની ખરીદી સાથે હેલ્મેટ આપવું ફરજીયાત, નહીં અપાય તો થશે કાર્યવાહી. - RJT
રાજકોટ: શહેરમાં ટ્રાફિક નિવારણ અર્થે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના અધ્યક્ષસ્થાને રાજકોટ શહેર માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી.
રાજકોટ શહેર માર્ગ સલામતી સમિતિની યોજાયેલ આ બેઠકમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા એક મહત્વપૂર્ણ જાણકારી આપવામાં આવી હતી કે, ગુજરાત રાજ્ય માર્ગ સલામતી પ્રાધિકરણ દ્વારા કેટલીક મહત્વપૂર્ણ સત્તાઓ હવે શહેરની સમિતિના અધ્યક્ષને આપવામાં આવી છે. જેમાં ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી એક્ટ – 2018ની કલમ 13 મુજબની સત્તાઓ અધ્યક્ષને સોંપવામાં આવી છે. તે મુજબ અકસ્માતના કારણરૂપ અને જેને કારણે માર્ગો ઉપર દબાણ થતું હોય તેવી અડચણો દૂર કરવા કે તેને માટે આદેશ કરવાની સત્તા રાજકોટ શહેરમાં પોલીસ કમિશનરને સોંપવામાં આવી છે.
આ એક્ટની કલમ 15 (1) હવે પોલીસ કમિશનર કોઇ પણ સરકારી કે બિનસરકારી સંસ્થાઓને આદેશ કરી શકે છે. તદ્દઉપરાંત આવા આદેશનો અનાદર બદલ દંડ પણ કરી શકાશે. આ દંડની જોગવાઇ એવી છે કે પ્રતિદિન રૂ. 500 લેખે અને મહત્તમ રૂ. 25 હજાર સુધીનો દંડ થઇ શકે છે. રાજકોટમાં નવા વાહનો વહેંચતા વેપારીઓ જો હવેથી વાહનની સાથે હેલ્મેટ નહિ આપે તો તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવાનો નિર્ણય આ બેઠકમાં લેવામાં આવ્યો હતો.