રાજકોટ : ગોંડલ ઈન્ડિયન મેડિકલ એસોસીએશનના તબીબોએ પ્રાંત કચેરી ખાતે આવેદન પાઠવ્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, થોડા દિવસ અગાઉ સોશિયલ અને પ્રિન્ટ મીડિયામાં રન્નાદે હોસ્પિટલ અને તેના ડૉક્ટર વિરૂદ્ધ પાયાવિહોણા અને સત્યની ચકાસણી કર્યા વિનાના સમાચાર ફેલાવવામાં આવ્યા હતા.
ગોંડલમાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના ડૉક્ટરોએ ફેક ન્યૂઝને લઈ પ્રાંત કચેરીએ આવેદન પાઠવ્યું
ગોંડલ ઈન્ડિયન મેડિકલ એસોસીએશનના પ્રમુખ ડૉક્ટર હિતેશ કાલરીયા અને સેક્રેટરી ડોક્ટર હિરેન ઠુમરની આગેવાનીમાં બહોળી સંખ્યામાં તબીબોએ એકત્રિત થઈ પ્રાંત કચેરી ખાતે ફેક ન્યૂઝને લઇ આવેદનપત્ર પાઠવ્યું હતું.
કુદરતે માનવ શરીરની રચના જટિલ બનાવી છે. દરેક પ્રકારની મેડિકલ અથવા તો સર્જીકલ સારવારમાં અમુક પ્રકારના જોખમો રહેલા છે. ડૉકટર અને દર્દી વચ્ચેનો સંબંધ વિશ્વાસના માધ્યમથી જોડાયેલો છે. જેથી ડૉક્ટરનો પ્રયાસ હંમેશા પોતાના દર્દીને ઉત્તમ સારવાર અને પરિણામ આપવાનો હોય છે.
સમયાંતરે અમુક પત્રકારો દ્વારા સત્યની ચકાસણી કર્યા વિના પાયાવિહોણા સમાચાર સોશિયલ અને પ્રિન્ટ મીડિયામાં પ્રસિદ્ધ કરવામાં આવે છે. જેનો અમે વિરોધ કરીએ છીંએ. આ ઉપરાંત ભવિષ્યમાં હોસ્પિટલને લગતા કેસમાં જે તે બ્રાન્ચના એક્સપર્ટ ડૉક્ટરનો અભિપ્રાય લઈને સત્ય હકીકત જ લોકો સામે રજૂ કરવામાં આવે તેવી અમારી માગ છે.