- ડાયાબિટીસ સહિતની બિમારીઓના દર્દીઓ માટે ગુણકારી છે કાળા ઘઉં
- પંજાબ અને હરિયાણામાં સૌથી વધુ થાય છે કાળા ઘઉંનું ઉત્પાદન
- ખેડૂતો માટે કાળા ઘઉંનું વાવેતર ફાયદાકારક થઈ રહ્યું છે સાબિત
રાજકોટ: જેતપુર તાલુકાના ખીરસરા ગામમાં ઘણા ખેડૂતોએ કાળા ઘઉંની ખેતી શરૂ કરી છે. ઘઉંની આ પ્રજાતિમાં ઝીંક, આયર્ન સહિત ઘણા પોષક તત્વો હોવાનું માનવામાં આવે છે. આ ઉપરાંત તે શુગર, બ્લડ પ્રેશર, સંધિવા અને મેદસ્વીપણાં જેવા રોગોના નિયંત્રણ માટે પણ ખૂબ જ ફાયદાકારક હોવાનું નિષ્ણાંતોનું માનવું છે. આ ઘઉં સામાન્ય ઘઉં કરતાં ત્રણથી ચાર ગણાં વધુ મોંઘા છે.
આ ખેડૂતોને સોશિયલ મીડિયાથી કાળા ઘઉંની ખેતીની ખબર પડી
ખેડૂત પ્રતાપભાઈ વાંકના જણાવ્યા પ્રમાણે, તેમને સોશિયલ મીડિયાના માધ્યમથી કાળા ઘઉં વિશે માહિતી મળી હતી. ત્યારબાદ તેમણે ભ્યાળ ગામમાંથી આ વિશિષ્ટ પ્રજાતિના ઘઉંના બીજ મેળવ્યા હતા. એક વીંઘામાં 40થી 45 મણની ઉપજ થાય છે. તે પ્રતિ મણ 800થી 900 રૂપિયાના દરે વેચાઈ શકે છે. જોકે, તેના ઉત્પાદન માટે સામાન્ય ઘઉં જેવી જ માવજત કરવી પડતી હોવાથી ઉત્પાદન ખર્ચમાં મોટો તફાવત જોવા નથી મળતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઉત્તર ભારતમાં ખાસ કરીને પંજાબ અને હરિયાણામાં આ પ્રકારના કાળા ઘઉંનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થાય છે. તેમના સિવાય ખીરસરા ગામના જ વિનુભાઈ કથીરિયાએ પણ તેમના ખેતરમાં એક પ્રયોગ રૂપે કાળા ઘઉંનું વાવેતર કર્યું છે.વિનુભાઈએ જણાવ્યું કે, તેમના ડોક્ટર ભાઈએ તેમને એ પણ માહિતી આપી હતી કે આ ઘઉંનું સેવન કરવાથી ડાયાબિટીસના દર્દીઓને ખુબ જ ફાયદો થાય છે.