- એમ્સની આજૂબાજૂ માળખાગત સુવિધા ઉભી કરવા માટે રાજકોટ કટીબદ્ધ
- એમ્સ સુધી પહોંચવા માટે રોડનુ નિર્માણ કરવામાં આવશે
- 2021 સુધી OPD શરૂ કરવાનું લક્ષ્ય
રાજકોટ: ગુજરાત રાજ્ય અને ખાસ કરીને સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના સામાન્ય નાગરિકોને ગુણવત્તાયુક્ત આરોગ્ય સારવાર સેવા આપવાના ઉમદા હેતુ સાથે રાજકોટ નજીક ખંઢેરી ખાતે નિર્માણાધીન એઇમ્સ સાઇટની મુલાકાત લઇ રાજકોટના કલેકટર અરુણ મહેશ બાબુએ એઇમ્સ અને માળખાગત પાયાની નાગરિક સેવાઓ સાથે જોડાયેલા મુખ્ય ડિપાર્ટમેન્ટના અધિકારીઓ સાથે એમ્સ ખાતે મીટીંગ યોજી હતી.
સામાન્ય નાગરિકોને ધ્યાનમાં રાખીને સરકાર કરાશે કામ
કલેકટરે આ અંગે જણાવ્યું હતું કે છેવાડાના સામાન્ય નાગરિક અને ગરીબ માણસને ધ્યાનમાં રાખીને કેન્દ્ર અને રાજ્ય સરકાર કામ કરી રહી છે. એઈમ્સ પણ આ ઉમદા સેવા અને ઉદ્દેશનું કેન્દ્ર બને તે માટે ઝડપી કામગીરી કરવા દરેક મુદ્દે ઝીણવટ ભર્યું અભ્યાસુ માર્ગદર્શન આપ્યું હતું. એઈમ્સ સુધી પહોંચવા 90 મીટર, 30 મીટર અને હાલનો 10 મીટરનો હાલનો રસ્તો તેમજ ફોરટ્રેક, ફલાય ઓવર, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, વીજળી પાણી અને વરસાદી પાણીના નિકાલ, પરિવહનને એકબીજાની લિંક આપી આગામી 50 વર્ષની જરૂરિયાત ધ્યાનમાં રાખીને કોરીડોર વિકસે તે માટે કલેકટરે રૂડા, માર્ગ-મકાન વિભાગ ,આર.એમ.સી ,જેટકો, રેવન્યુ તેમજ એઇમસના અધિકારીઓ સાથે આસપાસના વિસ્તારોની વીઝીટ કરીને નાગરિક સુવિધામાં એકસૂત્રતા જળવાઈ રહે તે માટે વધારાના પ્લાનિંગની દરખાસ્ત બધા જ ડિપાર્ટમેન્ટને સાથે રાખીને કરવાનું પણ આયોજન કર્યું હતું.