- તમાકુની ચોરી કરતા ઈસમો CCTVમાં થયા કેદ
- જૂનાગઢ પોલીસે ચોરોને પકડવા કવાયત હાથ ધરી
- પોલીસ થોડા જ દિવસોમાં ચોરોને પકડી લે તેવી શક્યતા
જૂનાગઢ: સરગવાળા માર્ગ પર આવેલા તમાકુના એક ગોડાઉનમાં 9 લાખ કરતા વધુનાં તમાકુ, સિગારેટ, બીડી સહિત તમાકુની વિવિધ બનાવટોની સાથે 3 હજાર રોકડા મળીને કુલ 9 લાખ કરતા વધુના મુદ્દામાલની ચોરી થવાની ઘટના સામે આવી છે. ગોડાઉનમાં લગાવવામાં આવેલા CCTV કેમેરામાં ચોરી કરનારા તમામ શખ્સો દેખાઈ રહ્યા છે. જેના આધારે જૂનાગઢ પોલીસે તપાસ હાથ ધરી છે.
તમાકુની મોટા પ્રમાણમાં ચોરી થઈ હોવાનો ચોંકાવનારો કિસ્સો
જૂનાગઢમાં મોટી માત્રામાં તમાકુની ચોરી થઇ હોય તેવો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે. હાલ કોરોના સંક્રમણને કારણે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતના મહાનગરોમાં રાત્રિ કરફ્યૂ અને લોકડાઉનની સ્થિતિ પ્રવર્તી રહી છે. ત્યારે ચોરી કરવા આવેલા આ શખ્સોનો ઈરાદો લોકડાઉન દરમિયાન તમાકુની કાળાબજારી કરવાનો હોવાનું પણ નકારી શકાય તેમ નથી. સમગ્ર ચોરીની ઘટના સામે આવતા જૂનાગઢ પોલીસે જાહેર માર્ગો પર લગાવેલા CCTV કેમેરાની મદદથી પણ આરોપીઓ સુધી પહોંચવાની કવાયત હાથ ધરી છે અને આગામી દિવસોમાં જૂનાગઢ પોલીસ તમાકુ ચોરીનો ભેદ ઉકેલે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે.