જૂનાગઢઃ કોરોના સંક્રમણને ધ્યાને રાખીને ગત 17 માર્ચના દિવસે સાસણ સફારી પાર્કને જંગલના કોઈપણ વિસ્તારમાં કોરોના સંક્રમણ ન ફેલાઈ શકે તે માટે સાવચેતીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યું હતું. જે સાત મહિના બાદ ફરી ખોલવામાં આવ્યું છે. સાસણ જંગલ સફારી પાર્કનો પ્રારંભ વહેલી સવારે 6 વાગ્યે પ્રવાસીઓને પાર્કમાં પ્રવેશ આપવાની સાથે કરવામાં આવ્યો હતો. રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા તેમજ વનવિભાગે જાહેર કરેલા દિશાનિર્દેશોનું ચોક્કસ પાલન કરવાની શરતે તેમજ પાર્કની મુલાકાત દરમિયાન સોશિયલ ડિસ્ટન્સનું ચોક્કસ પાલન કરવાની સાથે પ્રવાસીઓને સાત મહિના બાદ સફારી પાર્કમાં પ્રવેશ કરવા દેવામાં આવ્યો હતો.
ગીર સાસણ સફારી પાર્ક 7 મહિના બાદ ખૂલ્લું મુકાયું, ગાઇડ લાઇનનું પાલન ફરજિયાત
શુક્રવારના રોજથી ગીર સાસણ જંગલ સફારી પાર્ક પ્રવાસીઓ માટે ખૂલ્લું મુકવામાં આવતા પ્રવાસીઓના પ્રથમ ગ્રૂપને સફારી પાર્કમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. છેલ્લા 7 મહિનાથી કોરોના સંક્રમણને ધ્યાને રાખીને સાસણ સફારી પાર્ક અને બંધ રાખવામાં આવ્યું હતું. જે ફરી એક વખત શરૂ કરવામાં આવતા અહીં આવતા પ્રવાસીઓમાં પણ ભારે ખુશી જોવા મળી રહી છે.
ગીરનું સાસણ સફારી પાર્ક ફરી એક વખત પ્રવાસીઓથી ધમધમતું થયું છે. શુક્રવારે વહેલી સવારે વનવિભાગના અધિકારીઓએ ઓનલાઇન પરમિશન મેળવીને સાસણ આવેલા પ્રવાસીઓને સફારી પાર્કમાં વિધિવત પ્રવેશ કરવા દેવામાં આવ્યો હતો. આ તકે વનવિભાગના અધિકારીઓ દ્વારા પ્રવાસીઓને સફારી પાર્કમાં રવાના કરતા અગાઉ કોરોના સંક્રમણની તમામ તકેદારીઓના પાલન કરવાની શરતે તેમજ વનવિભાગ દ્વારા વખતો વખત જાહેર કરાયેલા તમામ દિશાનિર્દેશોનું પ્રત્યેક પ્રવાસીઓએ ચુસ્ત પાલન કરવાનું રહેશે.
આ વર્ષે બદલાયેલી પરિસ્થિતિમાં સાફ સાસણ સફારી પાર્ક ફરી એક વખત શરૂ થયું છે. ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા તેમજ આરોગ્ય વિભાગે જે દિશાનિર્દેશો જાહેર કર્યા છે. તે મુજબ પ્રત્યેક પ્રવાસીઓને પોતાની વ્યક્તિગત જવાબદારી સમજીને સફારી પાર્કની મુલાકાત દરમિયાન ચહેરા પર માસ્ક બાંધવું સેનીટાઇઝર સાથે રાખવું જેવા નિર્દેશો આપવામાં આવ્યા છે. સફારી પાર્કની મુલાકાત બાદ જીપ્સીને પણ સેનીટાઈઝર કર્યા પછી બીજી વખત જંગલમાં મોકલવાનો નિર્ણય પણ વનવિભાગ દ્વારા કરવામાં આવ્યો છે.