- ગીર જંગલમાં વન્ય જીવ અધિનિયમનો ખુલ્લેઆમ ભંગ
- સિહ પ્રેમીએ પ્રવાસીઓ સહિત અધિકારીઓ સામે કાર્યવાહીની કરી માંગ
- પ્રવાસીઓની જીપ્સીએ સિહણને ઘેરી લીધી હોય તેવા ફોટો વાયરલ
જૂનાગઢ:ગીર જંગલ વિસ્તારમાં વન્ય જીવ અધિનિયમ ધારાનો ખુલ્લેઆમ ભંગ (Violation of the Wildlife Act) થતો હોય તે પ્રકારનો એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ (Photo of a lion goes viral ) થયો છે. ફોટોમાં માર્ગ પર બેઠેલી સિહણની ચારે તરફ પ્રવાસીઓની જીપ્સી આવીને તેને હેરાન કરતી હોય તેવું સ્પષ્ટ જોવા મળે છે. સમગ્ર મામલાને લઈને વન્યજીવ પ્રેમીઓ અને પૂર્વ ન્યાયાધીશ જયદેવભાઈ ધાધલે ફોટોમાં દેખાતા પ્રવાસીઓ જીપ્સીના ચાલકો અને વન વિભાગના જે અધિકારી હેઠળ અભ્યારણ આવતું હોય તેવા તમામની સામે વન્યજીવ અધિનિયમના ભંગ કરવા બદલ કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ કરી છે.
ચારે તરફ પ્રવાસીઓની ભીડ
ફોટોમાં સ્પષ્ટ દેખાય રહ્યું છે કે, ચારે તરફ પ્રવાસીઓની ભીડ જોવા મળે છે અને તમામ પ્રવાસીઓ ફોટો પાડવામાં વ્યસ્ત જોવા મળે છે. આ પ્રકારની ગતિવિધિઓ વન્યજીવ ધારા અધિનિયમના ભંગ સમાન માનવામાં આવે છે. સમગ્ર મામલાને લઈને સાસણના નાયબ વન સંરક્ષક મોહન રામ સાથે ઈ ટીવી ભારતે ટેલીફોનીક સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમનો ફોન પર સંપર્ક થયો ન હતો. સમગ્ર મામલો ખૂબ જ ગંભીર છે આ પ્રકારની બેદરકારી કોઈ પણ વન્યજીવ માટે ખૂબ જ નુકસાનકારક બની શકે છે, ત્યારે હાલ તો આ ફોટો ખૂબ જ ચર્ચાનું કેન્દ્ર બની શકે છે.