ડુંગળીના ભાવે સદી ફટકારીને હજુ પણ અણનમ બેટિંગ કરી રહી છે. જેવા અહેવાલો મળી રહ્યાં છે. કેટલાક વિસ્તારોમાં ડુંગળી 120ને પાર પણ જોવા મળી રહી છે, પરંતુ આ બધાની વચ્ચે જૂનાગઢમાં સવળી ગંગા વહી રહી હોય તે પ્રકારનો ઘાટ જોવા મળી રહ્યો છે. રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં ડુંગળી 100થી લઈને 120 રૂપિયા પ્રતિ કિલો મળી રહી છે. બીજી તરફ જૂનાગઢમાં આ જ ડુંગળી 60 રૂપિયે પ્રતિ કિલોના છૂટક બજારભાવે વહેંચાઈ રહી છે.
જૂનાગઢના સ્થાનિક વેપારીનો દાવો, ડુંગળીના સંગ્રહખોરો ગ્રાહકોને લૂંટી રહ્યાં છે
જૂનાગઢ: દેશમાં ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે.કેટલાક વિસ્તારોમાં ડુંગળી સદી ફટકારીને પણ અણનમ બેટિંગ કરી રહી છે, પરંતુ જૂનાગઢના ડુંગળીના વેપારીઓ ગુરુવારે સારી ગુણવત્તાની ડુંગળી બજારમાં 50 રૂપિયે પ્રતિ કિલોના ભાવે વેચી રહ્યાં છે.
અમદાવાદ, રાજકોટ અને સુરત જેવા મહાનગરોમાં આજે પણ ડુંગળીમાં લાલચોળ તેજી જોવા મળી રહી છે. આ વિસ્તારની સ્થાનિક છૂટક બજારોમાં ડુંગળી 120 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઇ રહી છે. પરંતુ જૂનાગઢમાં ડુંગળી 60 રૂપિયે પ્રતિ કિલોના ભાવે વેચાતી જોવા મળી રહી છે. ડુંગળીના ભાવમાં જોવા મળતી આટલી મોટી અસમાનતાને લઈને જૂનાગઢના વેપારીઓએ તેમનો મત પ્રગટ કર્યો હતો. જે જગ્યા પર ડુંગળી 100 કે, 120ને પાર પ્રતિ કિલોના ભાવે વેચાતી જોવા મળે છે. તે વિસ્તારના સંગ્રહખોરો અને મોટા વેપારીઓ ખૂબ જ મોટી નફાખોરી કરીને ગ્રાહકોને લૂંટી રહ્યાં હોવાનો સ્પષ્ટ મત આપી રહ્યા છે.
જૂનાગઢની બજારમાં નબળી ગુણવત્તાથી લઈને સારી ડુંગળી 20 રૂપિયાથી શરૂ કરીને મહત્તમ 60 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઇ રહી છે. આ ભાવોની સરખામણી અન્ય શહેરો સાથે કરીએ તો, આ ભાવો રાજકોટ, સુરત, અમદાવાદ અને બરોડામાં લગભગ બમણા જોવા મળે છે. જેથી સ્પષ્ટ છે કે, મહાનગરોમાં ડુંગળીના સંગ્રહખોરો અને મોટા વેપારીઓ ખૂબ જ નફાખોરી કરી ગ્રાહકોને ધોળા દિવસે લૂંટી રહ્યા છે.