- શુક્રવારના રોજ ભારતમાં પક્ષી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે
- ભારતના મહાન પક્ષીવિદ સલીમ અલીના જન્મ દિવસને પક્ષી દિવસ તરીકે ઉજવાય છે
- જૂનાગઢનો યુવાન નમન દોશી પણ સલીમ અલીની જેમ જ જીવ સૃષ્ટિમાં આગળ વધી રહ્યો છે
જૂનાગઢ :આજે સમગ્ર ભારતમાં પક્ષી દિવસની ઉજવણી (National Bird Day 2021) કરવામાં આવી રહી છે. આ દિવસ ભારતના મહાન પક્ષીવિદ સલીમ અલીના (Ornithologist Salim Ali) જન્મદિવસે તેમના માનમાં ઉજવવામાં આવે છે. આ મહાન પક્ષીવિદના રસ્તે ચાલીને જૂનાગઢનો નમન દોશી (Naman Doshi) પણ બર્ડ વોચિગને (Bird Watching) લઈને આગળ વધી રહ્યો છે. આ સાથે જ નમન પક્ષીઓને લઈને શોધ-સંશોધન અને વિવિધ પ્રજાતિઓને શોધવામાં રુચી ધરાવી રહ્યો છે.
ભારતના મહાન પક્ષીવિદ સલીમ અલીના રંગે રંગાયો જૂનાગઢનો નમન સલીમ અલીની યાદમાં ઉજવવામાં આવે છે આ દિવસ
ભારતના મહાન પક્ષીવિદ સલીમ અલીનો (Ornithologist Salim Ali) 12 નવેમ્બર 1896ના દિવસે જન્મ થયો હતો, આથી તેમની યાદમાં 12 નવેમ્બરના દિવસે સમગ્ર દેશમાં પક્ષી દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષો પહેલા સલીમ અલી નામનો વ્યક્તિ પક્ષીઓની દુનિયામાં ઓતપ્રોત થયો હતો અને પક્ષી સાથે સંકળાયેલા શોધ-સંશોધન અને વિવિધ પ્રજાતિઓને શોધવામાં પોતાનું જીવનનો સમય સમર્પિત કરી દીધો હતો. પક્ષીવિદ સલીમ અલીનો આજે શુક્રવારે 125 મો જન્મદિવસ છે, જેથી આ દિવસની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે. સલીમ અલીથી ખૂબ જ પ્રભાવિત થઈને જુનાગઢનો નમન દોશી (Naman Doshi) નામનો યુવાન પણ બર્ડ વોચિગને લઈને ખુબ જ ઉત્સાહિત જોવા મળે છે. ગિરનારના પહાડો ઓળંગીને તે પણ નવા પક્ષીઓને ઓળખી કાઢવાની દિશામાં કામ કરી રહ્યો છે.
સલીમ અલીને પ્રથમ ઓળખ આપનાર ચેસ્ટનેસ્ટ સોલ્ડર પેટ્રોનિયા પક્ષી
સલીમ અલી પોતાના જીવનનું સર્વપ્રથમ પક્ષી ચેસ્ટનેસ્ટ સોલ્ડર પેટ્રોનિયાને (Chestnut Shouldered Petronia) પ્રથમ વખત નિહાળ્યું હતું. આ પક્ષીને જોયા બાદ સલીમ અલી ખુશીથી જુમી ઉઠ્યા હતા, પ્રથમ વખત જોયા બાદ અજાણ્યા પક્ષીનો ફોટોગ્રાફ લઈને સલીમ અલી બોમ્બે નેચર હિસ્ટ્રી સોસાયટીમાં પહોંચ્યા, જ્યાં તેમનું વૈજ્ઞાનિક નામ ચેસનેસ્ટ સોલ્ડર પેટ્રોનિયા સામે આવ્યું હતું, પરંતુ આ પક્ષીની ભારતમાં પ્રથમ વખત ઓળખ સલીમ અલી દ્વારા કરાવવામાં આવી હતી. જેથી આ પક્ષીને આજે પણ સલીમ અલી બર્ડ (salim ali bird) તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ સલીમ અલીએ ભારતમાં જોવા મળતા અનેક પક્ષીઓ પર શોધ-સંશોધન અને તેની વર્તણૂક અંગે ખૂબ સંશોધન કર્યું હતું, આથી તેમના માનમાં તેમના જન્મદિવસને પક્ષી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
અર્થશાસ્ત્રનો સ્નાતક બન્યો બર્ડ વોચર
જૂનાગઢના રહેતો નમન દોશી નામનો અર્થશાસ્ત્રમાં સ્નાતક થયેલો યુવાન સલીમ અલીથી એટલો પ્રભાવિત થયો છે કે, અર્થશાસ્ત્રનું સંપૂર્ણ જ્ઞાન મેળવ્યા બાદ પાછલા દસ વર્ષથી તે બર્ડ વોચિગની દુનિયામાં કામ કરી રહ્યો છે. નમન દોશી જ્યારે ધોરણ-૧૦માં અભ્યાસ કરતો હતો ત્યારથી તેમણે જીવસૃષ્ટિ અને ખાસ કરીને વન્ય જીવસૃષ્ટિના ફોટોગ્રાફ અને વીડિયોગ્રાફિનો શોખ ઉત્પન્ન થયો હતો, જેમાં તેમણે પક્ષીઓની દુનિયામાં ડોકિયું કરવાનો અંતિમ નિર્ણય કર્યો અને ત્યારથી તેઓ પક્ષીઓની જાણીતી કે અજાણી જાતિઓના ડેટા એકત્ર કરવાનું કામ કરી રહ્યો છે. નમને આગામી સમયમાં પણ માત્ર પક્ષીઓની દુનિયામાં જ આગળ વધવાનું અને જાણીતા કે અજાણ્યા પક્ષીઓના ડેટા સંગ્રહિત કરવાની દિશામાં તેઓ કામ કરશે તેવો આત્મવિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો: