- ગીર અભયારણ્યમાં રેલ-ગેસ લાઈનનો મુદ્દો હાઈકોર્ટના આંગણે
- પાઈપલાઈન યોજનાને મંજૂરી ન આપવાની સિંહપ્રેમીઓની માગણી
- રાજ્ય સરકાર મંજૂરી નહીં આપે તેવી સ્પષ્ટતા કોર્ટ સમક્ષ કરોઃ સિંહપ્રેમીઓ
જૂનાગઢઃ ગીર અભયારણ્યમાં રેલવેની બ્રોડગેજ લાઇન, ઇલેક્ટ્રિફિકેશન અને ગેસ પાઇપ લાઇનને રાજ્ય સરકારે મંજૂરી નહીં આપવી જોઈએ તેવો સ્પષ્ટ અભિપ્રાય સિંહપ્રેમીઓએ વ્યક્ત કર્યો છે. આ મુદ્દે વડી અદાલતમાં સુનાવણી ચાલી રહી છે ત્યારે રાજ્ય સરકારે સમગ્ર મામલાને લઈને રાજ્યની વડી અદાલતમાં આ પ્રકારના એક પણ કામોને મંજૂરી નહીં આપવામાં આવે તેવી સ્પષ્ટતા કરવી જોઈએ તેવો ગીરના સિંહપ્રેમીઓનો સ્પષ્ટ અભિપ્રાય વ્યક્ત કર્યો છે.
સુઓમોટો પર ચાલી રહી છે સુનાવણી
ગીર અભયારણ્યમાં સિંહોની સલામતીને લઇને હાઈકોર્ટમાં સુઓમોટો પર સુનાવણી કરવામાં આવી રહી છે. કોર્ટે રેલવે વિભાગ અને રાજ્ય સરકારને સમગ્ર મામલાને લઈને જવાબ રજૂ કરવા આવતી તારીખ સુધીનો હુકમ કર્યો છે. ગીર અભયારણ્યમાં આ પ્રકારની ગતિવિધિને સંપૂર્ણપણે બંધ રાખવામાં આવે તો ગીર અભયારણ્યમાં જોવા મળતાં સિંહ સહિત અન્ય પશુપક્ષીઓને મોટા નુકશાનમાંથી બચાવી શકાય તેમ છે. આ રજૂઆતને લઇને ગીરના સિંહપ્રેમીઓ રાજ્ય સરકાર ગીર અભયારણ્યમાં આ પ્રકારના પ્રોજેક્ટોને મંજૂરી ન આપે તેવી માગણી કરી છે.