- ETV Bharat સમક્ષ પ્રવીણ રામે કરી ખુલ્લા મને વાત ચીત
- જન અધિકાર મંચના આંદોલનાત્મક કાર્યક્રમો આપના નેજા નિચે જોવા મળશે
- પક્ષ આદેશ કરશે તો આગામી વિધાનસભાની ચૂંટણી લડવાની પણ પ્રવીણ રામની તૈયારી
જૂનાગઢ : જન અધિકાર મંચ( Jan Adhikar Manch )ના પ્રદેશ પ્રમુખ પ્રવિણ રામ ( Pravin Ram ) આજે મંગળવારે વિધિવત રીતે આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા અને પ્રભારી ગોપાલ સિંહ યાદવની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આમ આદમી પાર્ટી ( Aam Aadmi Party )માં જોડાયા બાદ પ્રવીણ રામે ETV Bharat સમક્ષ કરેલી એક્સક્લુઝિવ વાતચીતમાં આગામી રાજકારણની દિશા અને દશા તેમજ રણનીતિને લઈને સ્પષ્ટ ખુલ્લા મને વાતચીત કરી હતી. પ્રવિણ રામ કેટલાક વર્ષોથી ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જન અધિકાર મંચ જેવું સામાજિક સંગઠન ઊભું કરીને યુવાનો, બેરોજગારો અને મહિલાઓના લગતા પ્રશ્નોને લઇને આંદોલન ચલાવી રહ્યા હતા. જેમાં તેમને ઘણા અંશે સફળતા પણ મળી છે. હવે જ્યારે તેઓ આમ આદમી પાર્ટીના સદસ્ય બની ચૂકયા છે ત્યારે તેમના આંદોલનાત્મક કાર્યક્રમો અને પ્રજાના પ્રશ્નોને ઉઠાવવાની તેમની આવડતને લઈને આપમાં તેઓ પ્રજાના હિત માટે કામ કરતા રહેશે, તેવો સ્પષ્ટ અભિપ્રાય આપ્યો હતો.
પ્રવિણ રામે કરી ETV Bharat સાથે ખાસ વાતચીત આ પણ વાંચો :જન અધિકાર મંચના પ્રદેશ અધ્યક્ષ પ્રવીણ રામ AAP માં જોડાયા
પક્ષ આદેશ કરશે તો આગામી વિધાનસભાની ચૂંટણીમાં પણ ઝંપલાવશે
આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ પ્રવીણ રામે ETV Bharat સમક્ષ કરેલી વાતચીતમાં આગામી રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓને લઇને પણ નિવેદન આપ્યું હતું. પ્રવીણ રામે વિધાનસભાની બેઠકનો ઉલ્લેખ કર્યા વગર પોતાનો ચોક્કસ અભિપ્રાય આપ્યો હતો કે પક્ષ આદેશ કરશે તો તેઓ આગામી વિધાનસભાના ચૂંટણી જંગમાં પણ ઝંપલાવવા માટે તૈયાર છે. ઉલ્લેખનીય છે કે, પાછલા પાંચેક વર્ષથી પ્રવિણ રામ સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને જૂનાગઢ અને ગીર સોમનાથમાં યુવા કાર્યકરોની ફોજ સાથે રાજકીય પકડ પણ ધરાવી રહ્યા છે. ત્યારે, આગામી રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓમાં તેઓ ગીર-સોમનાથ જિલ્લાની કોઈ એક બેઠક પરથી પક્ષના સત્તાવાર ઉમેદવાર બને તેવી શક્યતાઓને પણ આજે નકારી શકાતી નથી.
આ પણ વાંચો :Gujarat Assembly election 2022: પોતાની જ્ઞાતિના મુખ્યપ્રધાનની ચોતરફથી માગ ! શું કરશે ભાજપ ?
પ્રવિણ રામ દ્વારા કરવામાં આવ્યો અનેક આંદોલનો
પ્રવિણ રામ પાછલા પાંચ વર્ષોથી જૂનાગઢ અને ગીર સોમનાથમાં આવેલા જંગલ વિસ્તારના ઇકો સેન્સેટીવ ઝોનને લઈને આંદોલન ચલાવી રહ્યા છે. વર્ષ 2017માં તેમણે ઈકોઝોનને લઈને તાલાલા ખાતે આમરણ ઉપવાસ પણ શરૂ કર્યા હતા. જેમાં રાજ્ય સરકાર અને વન વિભાગે પ્રવિણ રામની કેટલીક માંગોને સ્વીકારીને ઇકો સેન્સેટીવ ઝોનમાં આ વિસ્તારના ખેડૂતોને કેટલીક રાહત મળે તે બાબતનું કામ કર્યું હતું. આ ઉપરાંત, વધુમાં બેરોજગારીને લઈને પણ સરકાર સામે અનેક વખત આંદોલન કરીને બાથ ભીડી ચૂક્યા છે. પ્રવીણ રામે આંગણવાડી બહેનોને થતા પગાર તેમજ અન્ય મુશ્કેલીઓમાં રાજ્ય સરકાર સામે આંદોલનાત્મક કાર્યક્રમો યોજીને તેમાં પણ ખૂબ સફળતા મેળવી છે. આવી પરિસ્થિતિમાં જ્યારે પ્રવિણ રામ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે ત્યારે તેમની આ આંદોલનાત્મક છબી છે તે આમ આદમી પાર્ટીને આગામી વિધાનસભાની ચૂંટણીમાં લાભ ચોક્કસ પણે કરાવી આપશે કે નહી તે જોવું રહ્યું.