જૂનાગઢઃ એક પ્રાચીન માન્યતા મુજબ ગિરનારના 4 ગુપ્ત પ્રવેશદ્વાર હતા. જે પૈકીનો પ્રવેશ દ્વાર એટલે જટાશંકર મહાદેવ. આ વિસ્તારને ગુપ્ત ગિરનારનું પ્રવેશદ્વાર તરીકે પણ ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખ થયો છે. શિવરાત્રીના દિવસે શિવભક્તો ગાઢ જંગલમાંથી પસાર થતા હોય છે. માર્ગ પર રામ ભક્ત હનુમાન તેવા કપિરાજ પણ દર્શનાર્થીઓને જાણે કે આવકારતા હોય એમ ઠેર-ઠેર જોવા મળે છે. ગિરનારની ગોદમાં બિરાજતા જટાશંકર મહાદેવને સમગ્ર શ્રાવણ માસ દરમિયાન દરરોજ ત્રણ પહોરની આરતી કરવામાં આવે છે. આરતી સમયે મંદિર પરિસરનું વાતાવરણ આહલાદક અને ભક્તિમય બની જાય છે, પરંતુ કોરોના વાઇરસના સંક્રમણના કારણે મંદિર પરિસરમાં આરતીના સમયે ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
ગિરનારના ચાર ગુપ્ત પ્રવેશ દ્વારો પૈકીના પ્રથમ પ્રવેશ દ્વારે બિરાજતા ભગવાન જટાશંકર મહાદેવના કરો દર્શન - ગિરનારના પ્રવેશ દ્વાર પર જટાશંકર મહાદેવ
ગિરનારની ગોદમાં બિરાજતા જટાશંકર મહાદેવ શ્રાવણ માસમાં અનેરૂ મહત્વ ધરાવે છે. જંગલની વચ્ચે આવેલા જટાશંકરના દર્શન કરવા માટે શિવ ભક્તો પગપાળા અહીં પહોંચ્યાં છે. ચોમાસા દરમિયાન ગિરનારની લીલી કંદરાઓ પ્રવાહિત થઈ ગુપ્ત ગંગા જટા શંકર મહાદેવ પર અભિષેક કરે છે, તો ગિરનારની ગોદમાં અને પ્રકૃતિ સાથે બિરાજતા જટાશંકર હિમાલય કરતાં પણ પૌરાણિક માનવામાં આવે છે. ગિરનારની ગોદમાં આદિ-અનાદિકાળથી બિરાજતા જટાશંકર મહાદેવ શ્રાવણ માસમાં ભક્તોને અનન્ય શ્રદ્ધાનું કેન્દ્ર બની રહ્યા છે.
આરતીમાં શિવ ભક્તોએ ધોતી ધારણ કરવાની પરંપરા આજે પણ જટાશંકર મહાદેવ મંદિરમાં જોવા મળે છે. આરતી શરૂ થવાને હજુ થોડો સમય બાકી હોય ત્યાં કપિરાજ પણ જટાશંકર મહાદેવની આરતીમાં સામેલ થવા માટે આવી પહોંચે છે. આ મંદિરની ઉપર તરફ ગિરનાર પર્વત પર આવેલી પથ્થરચટ્ટીની શીલા પણ શિવલિંગના આકારે જોવા મળે છે. શિવલિંગ સમાન દેખાતી આ શિલા પર કુદરત પણ જાણે કે, અભિષેક કરવા માટે તલપાપડ હોય તેમ વાદળોના આલિંગન થકી શિવનો અભિષેક થતો હોય એવું લાગે છે. આવો અવલોકિત નજારો સમગ્ર દેશમાં અન્યત્ર બીજા કોઈ ધાર્મિક સ્થળે જોવા મળતો નથી. ગિરનારની ગોદમાં બિરાજતા જટાશંકર મહાદેવનું શ્રાવણ માસમાં અનેરૂ મહત્વ આજે પણ જોવા મળે છે.
ગિરનાર પર બિરાજતા માં અંબાજીના જમણા અંગૂઠામાંથી એક ઝરણું પ્રવાહિત થાય છે. જે ગૌમુખી ગંગા પર જટાશંકર મહાદેવના ચરણોમાં અભિષેક કરવા માટે આજે પણ આવે છેય આવો કુદરતનો અલૌકિક અને ધાર્મિક નજારો એકમાત્ર ગિરનારની ગોદમાં બિરાજમાન જટાશંકર મહાદેવ પર જોવા મળે છે.