જૂનાગઢ: ETV BHARATની ટીમે જિલ્લાનો ચિતાર મેળવ્યો હતો. જેમાં ચેમ્બર ઓફ કોમર્સ અને કરિયાણા એસોસિએશને કબૂલાત કરી હતી કે, વૈશ્વિક મહામારીને લઈને શાકભાજી ખાદ્ય ચીજવસ્તુઓ કરિયાણું અને ખાદ્યતેલનો જથ્થો જિલ્લા માટે આગામી ત્રણ મહિના સુધીનો ઉપલબ્ધ છે. આ ઉપરાંત કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જૂનાગઢ ચેમ્બર ઓફ કોમર્સ અને કરિયાણાના વેપારીઓ કદમથી કદમ મિલાવી લોકોને તમામ પ્રકારની મુશ્કેલીઓમાંથી બહાર કાઢશે.
જૂનાગઢમાં 3 માસ નહીં સર્જાય કરિયાણાની અછત કોરોના વાઇરસ હવે ગુજરાતમાં પણ વિકરાળ અને ભયજનક બની રહ્યો છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં કોરોના કેસોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. જેમાં દરરોજ નવા જિલ્લાઓમાં સંક્રમિત કેસોની સંખ્યા પણ જોવા મળી રહી છે. આવી પરિસ્થિતિમાં લોકોને ઉપયોગી અને જીવન જરૂરી ચીજ વસ્તુઓની પુરવઠો અને તેની માંગ કેટલી છે, તે અંગે ETV BHARATએ શુક્રવારે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ તૈયાર કર્યો છે.
ગ્રાઉન્ડ રિપોર્ટમાં જાણવા મળ્યું કે, જૂનાગઢમાં ખરીદી સમયે ખૂબ જ કાળજી રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત વૈશ્વિક મહામારીના સમયમાં લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનો પુરવઠો મળી રહે, તે માટે કરિયાણા એસોસિએશન અને ચેમ્બર ઓફ કોમર્સે કમર કસી છે.
ચેમ્બર ઓફ કોમર્સ અને જૂનાગઢ કરિયાણા એસોસિએશન દ્વારા લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું ત્યારથી કરિયાણું તેમજ જીવનજરૂરી ચીજવસ્તુઓ ગ્રાહકોના ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરાય છે. જેમાં ગ્રાહકોને એકસ્ટ્રા ચાર્જ પણ આપવામાં આવતો નથી. જેથી જૂનાગઢ શહેરમાં આ વ્યવસ્થાને આવકાર મળ્યો છે.
જે પ્રકારે કોરોના વાઇરસ વૈશ્વિક મહામારી બની રહ્યો છે, તેને ધ્યાને રાખીને કેટલાક કિસ્સાઓમાં સંગ્રહખોરીની શક્યતાઓ પણ જોવાઈ રહી હતી, પરંતુ જૂનાગઢ શહેર અને જિલ્લામાં આગામી ત્રણ માસ સુધી ચાલે તેટલો જીવનજરૂરી ચીજવસ્તુઓની સાથે કરિયાણા ખાદ્યતેલ તેમજ અન્ય ચીજવસ્તુઓનો પુરવઠો ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં છે. જેથી જિલ્લાનો લોકોને ત્રણ મહિના સુધી કોઈપણ પ્રકારની મુશ્કેલી પડશે નહીં અને આ તમામ જથ્થો લોકોના ઘર સુધી વિનામૂલ્યે પહોંચી શકશે.