- અમરેલી જિલ્લાના ભાજપના નેતાએ કર્યો સરકારી ગાઈડ લાઈનનો ભંગ
- અશ્વિન સાવલિયાએ પોતાના પુત્રના લગ્નમાં એકઠી કરી મોટી ભીડ
- લગ્નના વરઘોડામાં લોકો તમામ નિયમોને નેવે મૂકીને નાચતા જોવા મળ્યા
અમરેલી: જિલ્લા ભાજપના વધુ એક નેતા વિવાદમાં આવી રહ્યા છે. અમરેલીના સક્રિય કાર્યકર ખરીદ-વેચાણ સંઘના પૂર્વ પ્રમુખ તેમજ અમર ડેરીના ચેરમેન અશ્વિન સાવલિયાના પુત્રના લગ્ન 21 એપ્રિલે સંપન્ન થયા હતા. અશ્વિન સાવલિયાએ બહુ મોટી ભીડ એકઠી કરીને સરકારે જે નિયમો બનાવ્યા છે, તેનો ખુલ્લેઆમ ભંગ થતો હોય તે મુજબ લગ્નના વરઘોડામાં ખુબ મોટી સંખ્યામાં લોકોને એકઠા કર્યા હતા. વરઘોડામાં લોકો મુક્ત મને નાચગાન કરી રહ્યા હતા. આ સમયે સામાજિક અંતરનો ખુલ્લેઆમ ભંગ થતો જોવા મળ્યો હતો. સરકારે લગ્ન જેવા શુભ પ્રસંગમાં પણ માત્ર 50 જેટલા વ્યક્તિઓને સામેલ કરવાની મંજૂરી આપી છે, ત્યારે આવા સમયે કોરોના સંક્રમણનો ખતરો અમરેલી જિલ્લા ભાજપના નેતા અશ્વિન સાવલિયા વધારતા હોય તેવા ચિંતાજનક દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે.
અશ્વિન સાવલિયાએ પોતાના પુત્રના લગ્નમાં એકઠી કરી મોટી ભીડ આ પણ વાંચો:ઘોઘંબા તાલુકા ભાજપના ઉપપ્રમુખના પુત્રના લગ્નમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ઉડ્યા ધજાગરા, પોલીસે ગુનો નોંધ્યો
વાઈરલ વીડિયો અમરેલી પોલીસ સુધી પહોંચી ગયો
લગ્નના વરઘોડાના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા બાદ સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પણ પહોંચી શકે છે. હજુ સુધી કોઈ વ્યક્તિએ લગ્નના વરઘોડામાં એકઠી થયેલી ભીડને લઇને કોઈ પોલીસ ફરિયાદ દાખલ કરી ન હતી, પરંતુ વાઈરલ થયેલો વીડિયો અમરેલી પોલીસ સુધી પહોંચી ગયો છે અને આગામી સમયમાં અમરેલી પોલીસ સમગ્ર વીડિયોનું બારીકાઇથી નિરીક્ષણ કરીને જાહેરનામા ભંગના ગુના સહિત ભીડ એકઠી કરવી અને કોરોના સંક્રમણને વધુ ઉત્તેજના આપવી તે પ્રકારનો ગુનો અમરેલી પોલીસ દાખલ કરી શકે છે.
આ પણ વાંચો:માણાવદરમાં યોજાયેલા લોક ડાયરામાં કોવિડ ગાઈડલાઈનનો ભંગ, સાંસદ રમેશ ધડુક રહ્યા હતા હાજર
આવી જાણકારી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચના PI કરમટાએ ETV Bharatને આપી હતી અને જણાવ્યું હતું કે, સમગ્ર વીડિયોનો અભ્યાસ થઇ રહ્યો છે ત્યાર બાદ કેવા પ્રકારની પોલીસ કાર્યવાહી થશે તે અંગે પણ આગામી દિવસમાં પોલીસ ખુલાસો કરી શકે છે.