ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગરમાં આજથી કાર્યરત થનારી પ્રવૃતિઓ અંગે કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું - કલેક્ટર

હાલમાં કોરોના વાઇરસની બીમારીને રોકવા માટે ભારત સરકાર દ્વારા લોકડાઉનનો સમયગાળો ૩ મે સુધી લંબાવવામાં આવ્યો છે. લોકડાઉનના સમયમાં અનેક પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે.જેમાં આજથી સરકારની માર્ગદર્શિકા મુજબ જામનગરમાં અમુક પ્રવૃત્તિઓને ફરીથી ચાલુ કરવામાં આવશે પરંતુ આ પ્રવૃત્તિઓ સોશિયલ ડિસ્ટન્સિંગ, સેનિટેશન જેવી અનેક શરતોને આધીન રહેશે.

જામનગરમાં આજથી કાર્યરત થનાર પ્રવૃતિઓ અંગેનું કલેક્ટરનું જાહેરનામું
જામનગરમાં આજથી કાર્યરત થનાર પ્રવૃતિઓ અંગેનું કલેક્ટરનું જાહેરનામું

By

Published : Apr 20, 2020, 11:30 AM IST

જામનગર: ફોજદારી કાર્યરીતી અધિનિયમ 1973ની કલમ 144, ગુજરાત એપેડેમીક ડિસીઝ કોવિડ-19, રેગ્યુલેશન 2020, ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-43 તથા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-34 અન્વયે કલેકટર દ્વારા જાહેરનામા થકી 20 એપ્રિલથી 3 મે સુધી અમુક શરતી મંજૂરી હેઠળ મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તાર સિવાયના વિસ્તારોમાં અમુક સેવાઓ કાર્યરત કરવામાં આવશે. જેમાં તમામ આરોગ્ય વિષયક સેવાઓ જેમકે હોસ્પિટલ, નર્સિંગ હોમ, ક્લિનિક, ફાર્મસી, જન ઔષધી કેન્દ્ર, તબીબી પ્રયોગશાળાઓ, નંબરના આધારે ચશ્મા બનાવવા માટેની દુકાનો, પશુ ચિકિત્સા, પેથોલોજી લેબ અને તબીબી ઉપકરણો અંગેની સેવાઓ કાર્યરત રહેશે.

કૃષિ અને તેને સંબંધિત પ્રવૃત્તિઓ જેવી કે, તૈયાર થયેલ પાકનું વેચાણ, ખેડૂતો અને ખેત મજુરો દ્વારા ખેતી વિષયક પ્રવૃત્તિઓ, કૃષિમશીનરી તેના પાર્ટ્સ, ખાતર, જંતુનાશક દવાઓ, બિયારણના ઉત્પાદન, વિતરણ અને છૂટક વેચાણ વગેરે પ્રવૃત્તિઓ કાર્યરત રહેશે. સાથે જ મત્સ્યઉદ્યોગને લગતી પ્રવૃત્તિઓ, મરઘા ઉછેર કેન્દ્ર, પશુપાલનને લગતી પ્રવૃત્તિઓ, ગૌશાળાઓ, પશુ આશ્રયસ્થાનોનું સંચાલન ચાલુ રહેશે.

નાણાકીય ક્ષેત્રને લગતી બેન્ક, એટીએમ તેમજ ઇરડા અને વીમા કંપનીઓ કાર્યરત રહેશે, સામાજિક ક્ષેત્રે બાળકો, અપંગ, માનસિક અશક્તો, વરિષ્ઠ નાગરિકો, નિરાધાર મહિલાઓ, વિધવા મહિલા માટેના આશ્રય ગૃહમાં સંચાલન, સગીર બાળકો માટેના ઓબ્ઝર્વેશન હોમ ચાલુ રહેશે આ સાથે પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની સેવાઓ તેમજ આંગણવાડી કાર્યકરો દ્વારા બાળકો, મહિલાઓ અને સ્તનપાન કરાવતી માતાઓ વગેરે લાભાર્થીઓને ઘરે ઘરે જઈ 15 દિવસમાં એક વખત ખાદ્ય વસ્તુઓનું અને ખોરાકનું વિતરણ કરવાનું રહેશે.

મનરેગા અંતર્ગતના કામ ઉપરાંત જાહેર ઉપયોગીતાઓને લગતી રિફાઇનિંગ, પરિવહન, વિતરણ, સંગ્રહ અને પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, સીએનજી, એલપીજી, પીએનજી વગેરે પેદાશોનું છૂટક વેચાણ, વીજ ઉત્પાદનના કાર્યો, પોસ્ટ ઓફિસ સેવાઓ, મ્યુનિસિપલ સ્થાનિક બોર્ડના પાણી, સ્વચ્છતા અને સેનિટેશન મેનેજમેન્ટની સેવાઓ, ટેલિકોમ્યુનિકેશન અને ઈન્ટરનેટ સેવાઓ આપતી ઉપયોગિતાના કામકાજ, ઈલેક્ટ્રીશન, પ્લમ્બર અને કેબલ ઓપરેટરો, ડીટીએચ સેવાઓ કાર્યરત રહેશે.

માલની હેરફેર, લોડિંગ/અનલોડિંગ અંતર્ગતની તમામ સેવાઓ તમામ વાહનોને મંજૂરી આપવામાં આવશે, હાઇવે પરના હોટેલ, હોટેલને માલવાહક ડ્રાઈવરની સુવિધા માટે કાર્યરત કરવામાં આવશે આ સાથે જ કુરિયર સેવાઓ અને વાહનો માટેના ઓથોરાઇઝ્ડ સર્વિસ સ્ટેશન જેમાં ખાનગી એકમો અને સંચાલનની છૂટ રહેશે. જામનગર મહાનગરપાલિકા અને કાલાવડ, ધ્રોલ, જામજોધપુર અને સિક્કા નગરપાલિકા વિસ્તાર સિવાયના તેમજ દરેડ ગ્રામ પંચાયત વિસ્તાર, જીઆઇડીસી વિસ્તાર, મસિતીયા ગ્રામ પંચાયત તેમજ તેની આસપાસના બે કિલો મીટરની ત્રિજ્યાના વિસ્તાર સિવાયના વિસ્તારમાં આવેલ ઉદ્યોગો એકમોને છૂટ રહેશે.

મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ નગરપાલિકાની સીમાની બહાર આવેલા ગ્રામ્ય વિસ્તારમાં કાર્યરત ફૂડ પ્રોસેસીંગ ઉદ્યોગો કાર્યરત રહેશે, કોલસા ઉત્પાદન, ખાણ અને ખનીજ ઉત્પાદન, તેમનું પરિવહન, વિસ્ફોટકોનો પુરવઠો અને ખાણકામ કામગીરીની આકસ્મિક પ્રવૃત્તિઓ, પેકેજીંગ મટીરીયલનું ઉત્પાદન કરતા એકમો, મહાનગરપાલિકા અને નગરપાલિકાની હદની બહાર ગ્રામ્ય વિસ્તારમાં આવેલ ઇંટની ભઠ્ઠીઓ આજથી કાર્યરત થઇ શકશે.

આ ઉપરાંત કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની તમામ કચેરીઓ, એકમો, નિગમ અને જાહેર સાહસો સ્વાયત્ત અને તાબા હેઠળની કચેરીઓ ખુલ્લી રહેશે. આ જાહેરનામું સરકારી ફરજ ઉપરના કર્મચારી અથવા કામગીરીમાં હોય તેમજ હોમગાર્ડ કે, અન્ય સરકારી અથવા અર્ધસરકારી એજન્સી તેમજ આરોગ્યલક્ષી સેવા સાથે સંકળાયેલ, જેઓ કાયદેસરની ફરજ ઉપર હોય તેવાને લાગુ પડશે નહીં. સક્ષમ અધિકારી દ્વારા ઇશ્યૂ કરવામાં આવેલ પાસ ધારકો, મંજુરી હુકમ ધરાવનારા ઔદ્યોગિક એકમો, વ્યક્તિઓ, આ ઉપરાંત ભારત સરકારના ગૃહ મંત્રાલયના હુકમથી જાહેર કરવામાં આવેલ આવશ્યક સેવાઓને આ જાહેરનામુ લાગુ પડશે નહીં.

આવતીકાલથી કાર્યરત થનાર સંસ્થાઓ પાસેથી તંત્ર દ્વારા બાહેધરી તેમજ પ્રમાણપત્ર લેવામાં આવશે. કાર્યરત એકમોએ સરકાર દ્વારા જાહેર કરેલ માર્ગદર્શિકાનું સંપૂર્ણ પાલન કરવાનું રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-188 તથા ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-139 મુજબ તથા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે.

આજથી મળતી છૂટછાટો સાથે જ કલેકટરે જણાવ્યું હતું કે, “શહેર વિસ્તારમાં લોકડાઉન અગાઉની જેમ જ કાર્યરત રાખવામાં આવેલ છે, શહેરી વિસ્તારમાં કોઇ છુટછાટ આપવામાં આવેલ નથી તેમજ શાકભાજી, કરિયાણા, દુધ વગેરે આવશ્યક વસ્તુઓની દુકાનોનો સમય પણ હાલમાં જે છે તેમ જ રહેશે, જે લોકોને નંબરના ચશ્માં હોય તેઓ નંબરના ચશ્માં બનાવવા પ્રિસ્ક્રિપ્શન સાથે ઓપ્ટિકસની દુકાને જઇ શકશે જે ઓપ્ટિક્સની દુકાનોને કાર્યરત કરવામાં આવશે. કાર્યરત એકમો સિવાયના અન્ય સામાન્ય લોકો ઘરમાં જ રહે અને લોકડાઉનનું સંપૂર્ણપણે પાલન કરે.

ABOUT THE AUTHOR

...view details