જામનગર: બજારમાં વેચાતા આલ્કોહોલ તેમજ અન્ય હાનિકારક રસાયણોયુક્ત સેનિટાઈઝર કદાચ કોરોનાથી રક્ષણ આપતા હશે, પરંતુ આ પ્રકારના સેનિટાઇઝર વડે ત્વચાને ખૂબ જ ક્ષતિ પહોંચે છે.
ખાસ કરીને જ્યારે બાળકો આવા સેનિટાઈઝરનો ઉપયોગ કરતા હોય ત્યારે તેની આડઅસરોથી કેવી રીતે મુક્ત રહી શકાય તે એક ચિંતાનો વિષય છે.
વૈશ્વિક મહામારી કોરોના વાઇરસનો મુકાબલો કરવા માટે માસ્ક અને સેનિટાઇઝર ઉપયોગી સાબિત થયા છે. તબીબો અને સરકાર દ્વારા વારંવાર માસ્ક અને સેનિટાઇઝરના વપરાશ અંગે સૂચના આપવામાં આવે છે ત્યારે જામનગરમાં કામધેનું દિવ્ય ઔષધી મહિલા સહકારી મંડળી દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે જેમાં ગૌમૂત્રમાંથી સેનેટાઈઝર બનાવવામાં આવ્યું છે.
કામધેનું દિવ્ય ઔષધી મહિલા સહકારી મંડળીના પ્રમુખ કલ્પનાબહેને ઇટીવી ભારત સાથે ખાસ વાતચીત કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતું હાલના સમયમાં મંડળીમાં 250 જેટલી મહિલાઓ કામ કરી રહી છે. આ મહિલાઓ ખેતી માટે પણ ગૌમૂત્ર અને વિવિધ દવાઓ બનાવે છે. લીમડો તેમજ તુલસીના પાન જેવી કુદરતી ઔષધિઓનો ઉપયોગ કરી બનાવવામાં આવેલું આ ગૌમૂત્ર સંપૂર્ણપણે આલ્કોહોલ રહિત છે.