જામનગરઃ જિલ્લામાં ખાનગી શાળાના પટાંગણ પાસે વાલીઓએ ધરણા અને પ્રતિક ઉપવાસ કર્યા હતા. GD શાહ નામની ખાનગી શાળા સામે વાલીઓએ વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
હાલ કોરોનાની મહામારી વચ્ચે ખાનગી શાળાઓ બેફામ ફી વધારો કરી અને વાલીઓને લૂંટતી હોવાના કિસ્સા બહાર આવી રહ્યા છે. ત્યારે શહેરમાં GD શાહ સ્કૂલમાં નવા એડમિશન મેળવેલા વિદ્યાર્થીઓ પાસેથી ફી લેવામાં આવે છે, તેમજ જે એડમિશન કરવામાં આવી રહ્યા છે તેમાં પણ ગેરરીતિ થતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા.
જામનગરમાં ખાનગી શાળા સામે વાલીઓએ ધરણા અને પ્રતિક ઉપવાસ કર્યા જો કે, GD શાહ સ્કૂલના પ્રિન્સિપાલના જણાવ્યાં અનુસાર તેઓ એ તમામ કામગીરી સરકારી નિયમો પ્રમાણે કરી છે અને અમુક લોકો પોતાના કામ કઢાવવા માટે ખોટા આક્ષેપો કરતા હોવાનું જણાવ્યું છે.
મહત્વનું છે કે, વિદ્યાર્થીઓના એડમિશન મામલે પ્રિન્સિપાલ અને અન્ય એક વ્યક્તિનો ઓડિયો પણ વાઇરલ થયો છે. ઓડિયોમાં સામેવાળી વ્યક્તિ જણાવી રહી છે કે, તેમને કોર્પોરેશનની ચૂંટણી લડવી હોવાથી તાત્કાલિક પાંચ વિદ્યાર્થીઓનું એડમિશન કરાવી દો. જો કે સ્કૂલના પ્રિન્સિપાલે કોઈપણ પ્રકારની બાંધછોડ કર્યા વિના મેરીટ પ્રમાણે વિદ્યાર્થીઓને એડમિશન આપ્યા હોવાનું બહાર આવ્યું છે.