- PSA પ્લાન્ટ થકી હવામાંથી ઓક્સિજન પેદા કરીને હોસ્પિટલોમાં મેડિકલ ઓક્સિજનનો પૂરતો જથ્થો સુનિશ્ચિત: CM
- મ્યુકરમાઈકોસીસ રોગીઓની સારવાર માટે અલગ વોર્ડ તથા પૂરતા પ્રમાણમાં ઈન્જેકશન મળી રહે તેની પણ રાજ્ય સરકારે ચિંતા કરી છે: CM
- તૌકતે વાવાઝોડા દ્વારા નુકસાન પામેલા અસરગ્રસ્ત વિસ્તારોને પૂર્વવત બનાવવાની દિશામાં સરકાર સતત પ્રયત્નશીલ: CM
બનાસકાંઠાઃ નાયરા ગ્રુપને અભિનંદન પાઠવતા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ઝાખરમાં 100 બેડનું અત્યાધુનિક કોવિડ કેર સેન્ટર ઊભું કરી નાયરા ગૃપે આવા કપરા સમયે પોતાનું સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે. કોરોનાના કપરા કાળમાં લોકોને ઘર આંગણે જ ઝડપી સારવાર મળી રહે તેની કાળજી લીધી છે. ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં કેસો ઘટતા જાય છે, પરંતુ વેક્સિનેશન પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી તમામ લોકોએ સાવચેત રહેવાનું છે. નિષ્ણાંતો કોરોનાની ત્રીજી લહેરની શક્યતાઓ પણ વ્યક્ત કરી રહ્યા છે, ત્યારે એ સંભાવનાઓને ધ્યાને લઈને સરકાર દ્વારા પૂર્ણ તૈયારીઓ સાથે તમામ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી રહી છે.
વેક્સિનેશનની કામગીરી પૂર્ણ ન થયા ત્યાં સુધીમાં સાવધાની રાખવી જરૂરી
રાજ્ય સરકાર PSA પ્લાન્ટ થકી હોસ્પિટલોમાં મેડિકલ ઓક્સિજનનો પૂરતો જથ્થો સુનિશ્ચિત કરી રહી છે તેની માહિતી મુખ્યપ્રધાને આપી હતી. મુખ્યપ્રધાને જણાવ્યું કે, PSA પ્લાન્ટ થકી લિક્વિડ ઓક્સિજન પર નિર્ભર રહ્યા વગર સીધો હવામાંથી જ ઓક્સિન પ્રક્રિયા વડે મેડિકલ ઓક્સિજન બનાવી શકાય છે. જેનાથી 300 ટન જેટલી ઓક્સિજન ક્ષમતા વધશે તેમ તેમણે ઉમેર્યું હતું. રાજ્ય સરકારે રાજ્યમાં આવા 36 પ્લાન્ટ સ્થાપવાના શરૂ કર્યા છે.
આ પણ વાંચોઃ ભુજમાં જૈન સમાજે 50 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કર્યું
મારૂં ગામ કોરોના મુક્ત ગામ અંતર્ગત 100 બેડના કોવિડ કેસનું ઇ-લોકાર્પણ
હાલ મ્યુકરમાઈકોસીસનો આપણે સામનો કરી રહ્યા છીંએ, ત્યારે આ રોગની સારવાર માટે દર્દીઓ માટે અલગ વોર્ડ તથા પૂરતા પ્રમાણમાં ઈન્જેકશન દવાઓ મળી રહે તેની પણ રાજ્ય સરકારે ચિંતા કરી છે તેમ તેમણે જણાવ્યું હતું. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તૌકતે વાવાઝોડાના સંદર્ભમાં કહ્યું કે, આ વાવાઝોડાને કારણે નુકસાન પામેલા અસરગ્રસ્ત વિસ્તારોમાં ઝડપથી પરિસ્થતિ પૂર્વવત કરવાની તેમજ નુકસાનીના સર્વેની કામગીરી શરૂ કરી ઝડપથી સ્થિતિ થાળે પડે એ દિશામાં સરકાર સતત પ્રયત્નશીલ છે. મારું ગામ કોરોના મુક્ત ગામ અભિયાનને લઇને જામનગર જિલ્લામાં સુંદર કામગીરી ચાલી રહી છે, ત્યારે લોકો પણ સતત જાગૃત રહે અને તમામ ગામો કોરોના મુક્ત બને તેવી તકેદારી રાખવા મુખ્યપ્રધાને અનુરોધ કર્યો હતો.