- જામનગરમાં ઠેબા ચોકડી પાસે પકડાયાં હત્યાકેસના આરોપી
- ડિસ્મિસ્ડ પોલીસકર્મી અને તેનો ભાઈ ઝડપાયાં
- યુવરાજસિંહનું ગળું કાપી કરી હતી હત્યા
જામનગરઃ જામનગર શહેરમાં રણજિતસાગર રોડ પર ગ્રીનસિટીમાં રહેતા અને મૂળ ખંભાળિયા તાલુકાના ભાતેલના વતની યુવરાજહિં મહોબતસિંહ જાડેજા (ઉ.વ.27) નામના યુવાનને રેતીના ડમ્પરો ચાલતાં હતાં. તેના ડમ્પરના ડ્રાઈવરોની ઈશ્વરસિંહ સતુભા જાડેજાના ડ્રાઈવરો સાથે અવારનવાર અદલાબદલી ચાલતી હતી. જે બાબતે અગાઉ પણ રકઝક અને બોલાચાલી થઈ હતી. તેમજ એક વર્ષ પૂર્વે પ્રદીપસિંહ સોઢાનું પાકીટ ઈશ્વરસિંહના મહેતાજી જયપાલસિંહ ચૂડાસમા લઇ લીધું હતું. જે બાબતે ઈશ્વરસિંહને અપશબ્દો કહ્યાં હતાં. આ બાબતનું મનદુ:ખ રાખી ઈશ્વરસિંહે પ્રદીપસિંહ અને યુવરાજસિંહને પતાવી દેવાની ધમકી આપી હતી. દરમિયાન ઈશ્વરસિંહ સતુભા જાડેજા અને વીરભદ્રસિંહ ઉર્ફે જયપાલસિંહ જાડેજા નામના બન્ને શખ્સોએ પૂર્વ આયોજિત કાવતરુ રચ્યું હતું .જામનગર નજીક ઠેબા ચોકડી પાસે આવેલા ગોકુલ વે બ્રિજ પાસે યુવરાજસિંહ કાયમ બેસતાં હતાં.
આ પણ વાંચોઃ એસ્ટેટ બ્રોકર ગુમ થવા મામલે IAS અને IPS અધિકારીઓના કોરોડો રૂપિયાના રોકાણ સામે આવ્યા
પૂર્વ આયોજિત કાવતરું ઘડી નિપજાવી હત્યા
દરમિયાન રવિવારે સાંજના ઈશ્વરસિંહ સતુભા જાડેજાએ અગાઉથી નકકી કરેલા પ્લાન મુજબ તેના ભાઈને ગોકુલ વે બ્રિજ પાસે રાખ્યો હતો અને યુવરાજસિંહ સહિતના લોકો ત્યાં આવી ગયા હોવાની જાણ થતા ઈશ્વરસિંહ તેની જીજે-10-ડીએ-0056 નંબરની સ્વીફટ કાર લઇને ત્યાં આવી પહોંચ્યા હતાં અને ખુરશી ઉપર બેસેલા યુવરાજસિંહ સાથે કાર અથડાવી પછાડી દીધાં હતાં. ત્યારબાદ ઈશ્વરસિંહ તેની ગાડીમાંથી છરી કાઢી યુવરાજસિંહના ગળામાં જીવલેણ ઘા મારી ઢીમ ઢાળી દીધું હતું તેમજ વીરભદ્રસિંહે પ્રદીપસિંહ ઉપર છરી વડે હુમલો કર્યો હતો. ઉપરાંત મૃતકના ભાઇ ગિરિરાજસિંહ ઉપર પણ છરીના ઘા ઝીંકયા હતાં. જેમાં તેને હાથમાં ઈજા પહોંચી હતી. ત્યારબાદ હુમલામાં ઘવાયેલા વ્યકિતઓને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં યુવરાજસિંહ જાડેજાનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું તેમજ અન્ય બે વ્યક્તિઓને સારવાર આપવામાં આવી હતી.
સણોસરા પાટિયા પાસેથી આરોપીઓને દબોચી લેવાયાં
રેતીના વ્યવસાય બાબતે થયેલી જૂની બોલાચાલીના મનદુ:ખમાં નિપજાવેલી હત્યાના આરોપીઓને દબોચી લેવા જિલ્લા પોલીસવડા દીપન ભદ્રનની સૂચનાથી એેએસપી નીતેશ પાંડેય અને ડીવાયએસપી કૃણાલ દેસાઈના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ કે.જી.ચૌધરી અને પીએસઆઈ કે.કે. ગોહિલ, વી.એમ. દેવમુરારી સહિતની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન અજયસિંહ ઝાલા અને યોગરાજસિંહ રાણાને મળેલી બાતમીના આધારે ધ્રોલ-રાજકોટ ધોરી માર્ગ પર એલસીબીની ટીમે વોચ ગોઠવી હતી અને જીજે-03-સીઆર-4440 નંબરની એન્ડેવર કાર પસાર થતા સણોસરા ગામના પાટીયા નજીકથી કારને આંતરીને પોલીસે આરોપીઓને સતુભા જાડેજા અને વીરેન્દ્રસિંહ ઉર્ફે જયપાલસિંહ સતુભા જાડેજા નામના બન્ને હત્યારા ભાઈઓને ઝડપી લઇ મોબાઇલ ફોન અને કાર કબજેે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ આરોપી આરોપીઓને સતુભા જાડેજા વિરુદ્ધ અગાઉ મારામારી, રાયોટીંગ, જુગાર સહિતના સાત ગુનાઓ નોંધાયેલા હતાં.