જામનગરઃ કોવિડ-19 નોવેલ કોરોના વાઇરસના કારણે હાલ સમગ્ર દેશમાં લોકડાઉનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ગુજરાત સરકાર દ્વારા 13 એપ્રિલથી નોન NFSA APL-૧ કાર્ડધારકોને વિનામૂલ્યે 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો ખાંડ, 1 કિલો ચણા કે ચણાની દાળનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેના બીજા તબક્કા રૂપે મે મહિના માટે પણ શુક્રવારથી જામનગર જિલ્લાના કુલ 1,97,674 APL-1 નોન NFSA કાર્ડધારકોને આગામી દિવસોમાં સસ્તા અનાજની દુકાન પર અનાજનું વિતરણ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, જિલ્લાના 1,97,674 APL-1 નોન NFSA કાર્ડધારકો પૈકી શહેરમાં 84,699 કાર્ડધારકો છે અને ગ્રામ્ય વિસ્તારમાં 1,12,975 કાર્ડધારકો છે.
જામનગર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં શુક્રવારે સવારે 8થી રાત્રિના 8 સુધી વિતરણ કરવામાં આવશે. જેનું 11 મે સુધીમાં વિતરણ પૂર્ણ થશે. જ્યારે જામનગર શહેરમાં શુક્રવારથી વિતરણ શરૂ થશે, પરંતુ કોઇ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે શહેરી વિસ્તારમાં બપોરે 2થી રાત્રીના 10 કલાક સુધી અન્ન વિતરણ કરવામાં આવશે. જે 11 તારીખ સુધીમાં પૂર્ણ થશે. જેથી 11 તારીખ સુધીમાં કાર્ડધારકોએ પોતાનો જથ્થો મેળવી લેવાનો રહેશે.