- વતન પ્રેમ યોજના સોસાયટીની ગવર્નિંગ બોડીની પ્રથમ બેઠક યોજાઇ
- સીએમ વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને યોજાઈ બેઠક
- 1000 કરોડના વિવિધ કામો ડિસેમ્બર-2022 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે
- રાજ્યના ગામોની શાળાઓના ઓરડા નિર્માણ કામોને ‘વતનપ્રેમ યોજના’માં અગ્રતા આપવા સીએમનું આયોજન
- 60 ટકા NRI ગુજરાતી અને 40 ટકા રાજ્ય સરકાર ખર્ચ ઉઠાવશે
ગાંધીનગર: ગુજરાતના ગામડાઓના સર્વાંગી વિકાસના કામો અને ઉત્તમ જન સુવિધા પૂરી પાડવા સરકાર, દાતાઓ, ગ્રામજનો વચ્ચે જનકલ્યાણ વિકાસનો ત્રિવેણી સંગમ ‘વતન પ્રેમ યોજના’નો પ્રારંભ 9 ઓગસ્ટના રોજ કરવામાં આવ્યો હતો, જેમાં આજે સીએમ વિજય રૂપાણીએ ‘વતન પ્રેમ યોજના’ અંતર્ગત રાજ્યના ગામોમાં સર્વાંગી વિવિધ વિકાસના વિવિધ કાર્યો અને ઉત્તમ જનસુવિધા પૂરી પાડવાના હેતુસર ડિસેમ્બર-2022 સુધીમાં રૂ. 1 હજાર કરોડના કામો હાથ ધરવાની નેમ વ્યક્ત કરી છે.
શું છે વતનપ્રેમ યોજના?
દેશમાં કે દેશ બહાર વિશ્વમાં કયાંય પણ વસતા ગુજરાતીઓ ‘વતન પ્રેમ યોજના’ અન્વયે ગુજરાતમાં પોતાની પસંદગીનું ગામ, પોતાની પસંદગીનું કામ, પોતાની પસંદગીની એજન્સી દ્વારા 60 ટકા પોતાના દાન અને રાજ્ય સરકારના 40 ટકા અનુદાનથી કરાવી શકે છે, જેમાં ‘વતન પ્રેમ યોજના’ સોસાયટીની ગવર્નિંગ બોડીની ગાંધીનગરમાં મળેલી પ્રથમ બેઠકમાં અધ્યક્ષસ્થાનેથી આ યોજનાના સુચારૂ અમલીકરણ અંગે સીએમ રૂપાણીએ માર્ગદર્શન આપ્યું હતું.
જાહેરાત બાદ પ્રથમ બેઠક યોજાઇ
સીએમ વિજયભાઇ રૂપાણીએ રાજ્યના ગામોમાં શાળાઓના ઓરડા નિર્માણના કામોને 'વતન પ્રેમ યોજના'માં અગ્રતા આપવાનું પ્રેરક સૂચન પણ આ ગવર્નિંગ બોડીની બેઠકમાં કર્યુ હતું. આવી જરૂરિયાતવાળી શાળાઓના ઓરડાઓ વતન પ્રેમ યોજનાના દાતાઓના દાન અને સરકારના સંયુકત અનુદાનથી તૈયાર કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ યોજનાના વેબપોર્ટલ ઉપર આવા દરેક ગામની શાળાઓમાં ઓરડાની જરૂરિયાતની વિગતો ઉપલબ્ધ કરાવવા શિક્ષણ વિભાગ સાથે સંકલન કરવાની પણ સૂચનાઓ આપી હતી.