- આરોગ્ય વિભાગને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યો
- તમામ જૂથમાં વેક્સિનેશનની કામગીરી સ્થગિત
- રાજ્ય સરકાર પાસે વેક્સિનનો જથ્થો ઓછો
ગાંધીનગર : મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તૌકતે વાવાઝોડાની સંભાવનાને પગલે વહીવટી તંત્રની સજ્જતાની સમીક્ષા કરતાં આ નિર્ણયની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગના તમામ કર્મચારીઓ વાવાઝોડાથી ઉભી થનારી સંભવિત કામગીરી માટે સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. એટલે આ બે દિવસો દરમિયાન તમામ જૂથમાં વેક્સિનેશનની કામગીરી સ્થગિત કરવામાં આવી છે.
આ પણ વાંચો: સતર્ક બનો: તૌકતે વાવાઝોડા પહેલા અને પછી રાખો આ તકેદારી
એમ્બ્યુલન્સ સાથે મેડિકલ, પેરા મેડિકલ સ્ટાફ પણ તૈનાત રહેશે
ભારત સરકાર અને ગુજરાત સરકાર તૌકતે વાવાઝોડાને લઈને સંપર્કમાં છે. ગુજરાત સરકારે પણ એકપણ વ્યક્તિનું મૃત્યુ વાવાઝોડામાં ન થાય તે પ્રકારની પૂર્વ તૈયારીઓ કરી લીધી છે, ત્યારે પ્રભાવિત વિસ્તારોમાં 100 જેટલી એમ્બ્યુલન્સને પણ સજ્જ કરી દેવામાં આવશે. અહીં મેડિકલ સ્ટાફ અને પેરમેડિકલ સ્ટાફની પણ જરૂર પડશે. જેથી ત્યાં આ સ્ટાફને તૈનાત કરવામાં આવશે. આ હેતુસર વેક્સિનનું કાર્ય બે દિવસ બંધ કરવામાં આવશે, પરંતુ જોવા જઈએ તો વેક્સિનનો જથ્થો જ ઓછો છે. જેથી આગળના બે દિવસ 15 અને 16 મે બાદ 17 અને 18 મે દરમિયાન વેક્સિનેશન બંધ રહેશે.
આ પણ વાંચો: તૌકતે વાવાઝોડામાં એક પણ વ્યક્તિનું મૃત્યુ નહીં થવા દઈએ, 1.5 લાખ લોકોને દરિયા કિનારેથી ખસેડાશે: મુખ્યપ્રધાન વિજય રૂપાણી
મુખ્યપ્રધાને બે દિવસ દરમિયાન પોતાના ઘરથી બહાર ન નીકળવા કર્યો અનુરોધ
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નાગરિકોને આ બે દિવસ દરમિયાન પોતાના ઘરથી બહાર નહીં નીકળવા પણ અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાત રાજ્યમાં વાવાઝોડા સાથે અતિવૃષ્ટિની પણ સંભાવના છે. આવી પરિસ્થિતિમાં તમામ લોકોની સલામતી ખૂબ જરૂરી છે. નાગરિકો પોતપોતાના ઘરમાં રહે, માત્રને માત્ર ફરજ પર હોય એવા લોકો જ ઘરની બહાર નીકળે. બાકીના લોકો ઘરમાં જ રહી અને પોતાની સલામતી જાળવે એ જરૂરી છે.