ગુજરાત બોર્ડર પર જામ, અન્ય રાજ્યના ટ્રક પ્રવેશ મુદ્દે પાસ અંગે ચર્ચા - કોરોના લૉક ડાઉન
સમગ્ર દેશમાં કોરોના વાઇરસના કારણે લૉક ડાઉન 3 મે સુધી વધારવામાં આવ્યું છે ત્યારે ગુજરાત રાજ્યની તમામ બોર્ડરને સીલ કરી દેવામાં આવી છે. પરંતુ જો વાત કરવામાં આવે ટ્રાન્સપોર્ટ વિભાગની, તો ટ્રાન્સપોર્ટ ટ્રક આવવા માટેની પરમિશન અને અન્ય રાજ્યોમાંથી આવતાં માલવાહક વાહનો થંભી ગયાં છે.
ગાંધીનગર : રાજ્ય સરકારના સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે લૉક ડાઉનને કારણે રાજ્ય સરકારે રાજ્યની તમામ બોર્ડરો સીલ કરી છે ત્યારે અન્ય રાજયમાંથી આવતાં માલવાહનો હાઇવે બોર્ડર પર જ ફસાઈ ગયાં હોવાનું સામે આવ્યું છે. ગુજરાતમાં આવા માલ વાહનને પ્રવેશની મંજૂરી ન મળતાં તમામ વાહનો બોર્ડર પર જ અટકાવવામાં આવ્યાં છે. ત્યારે પ્રવેશની મંજૂરી ન મળતાં અટકેલાં માલવાહક વાહનોને પ્રવેશ મંજૂરી મુદ્દે મુખ્યપ્રધાનના નિવાસે ખાસ બેઠક યોજાઇ હતી. જેમાં સીએમ રૂપાણીએ પરિવહન વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. સાથે જ આવા માલવાહનોના પ્રવેશ માટે ઓનલાઈન સિસ્ટમ શરૂ કરવાની ચર્ચા કરવામાં આવી હતી.
મંગળવારે મળેલ ખાસ બેઠકમાં અન્ય રાજ્યોના વાહન પ્રવેશના ઓનલાઈન પાસ મુદ્દે થઈ ચર્ચા કરવામાં આવી છે. જેમાં પાસ મેળવવા ઓન લાઈન સિસ્ટમ ઊભી કરવાની જરૂરિયાત સર્જાઈ છે. ઉપરાંત પાસના અભાવે મોટી સંખ્યામાં માલવાહક વાહનો બોર્ડર પર ફસાયાં છે. જેમાં ખાસ કરીને રાજસ્થાન - એમપી અને મહારાષ્ટ્ર બોર્ડર પર માલવાહક વાહનોના પૈડાં થંભી ગયાં હોવાનું સામે આવ્યું છે.