- સીસીટીવીમાં કેદ થયા ઘટનાના દ્રશ્યો
- મોબાઇલની શોપમાં ચોરી કરવા આવ્યો હતો
- ચોરી કરવા જતાં મોત મળ્યું
ગાંધીનગર: પોતાની દુકાનમાં બનેલી ઘટનાને લઇને શોપ માલિકે કલોલ તાલુકા પોલીસને જાણ કરતા ઘટના સ્થળે પોલીસે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જિલ્લાના કલોલ તાલુકાના છત્રાલ જીઆઇડીસીમાં યજ્ઞેશભાઇ શાહની મોબાઇલની દુકાન આવેલી છે. જ્યાં રાત્રિના અંધારાનો લાભ લઇ આ ઈસમ દુકાનમાં ચોરી કરવાના ઇરાદાથી આવ્યો હતો. મોબાઈલ શોપની ઉપર લોખંડના પતરા હતાં જેથી લોખંડના પતરાની અંદર પ્રવેશ કરવા જતાં તેનું ગળું પતરાની વચ્ચે ફસાઈ ગયું હતું. હાથ ઉપર હોવાથી અને નીચે કોઈ સહારો ના હોવાથી ચોરનું ગળું બે પતરાની વચ્ચે આવી જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસે તપાસ કરતા સીસીટીવી કેમેરા હાથ લાગ્યાં હતા. જેમાં અંદરનો આ વીડિયો પણ સામે આવ્યો હતો.
લટકી જવાના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યાં
સવારમાં દુકાન માલિકે શોપ ખોલતાં જ સવારમાં ચોર લટકતો જોવા મળ્યો હતો. શોપના માલિક યજ્ઞેશભાઇ આ આ દ્રશ્ય જોતાં જ ગભરાઈ ગયા હતાં અને આ વિચિત્ર ઘટના કેવી રીતે બની તે સારું જોવા તેમને અને તેમના પિતાએ છત પર ચડી તપાસ કરી તો છતનું પતરું થોડું ખુલ્લું હતું અને ગળાના ભાગે પતરાની ધાર ફસાઈ ગઈ હતી. જેથી તેમના દ્વારા તરત જ પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી. પોલીસે પણ ત્યાં આવી સીસીટીવી ચેક કર્યા હતાં. જ્યાં સીસીટીવીમાં ઘટનાસ્થળના વીડિયો સામે આવ્યાં હતાં. જ્યાં લટકતા અને તરફડીયાં મારતા ઇસમના વીડિયો સીસીટીવીમાં કેદ થયાં હતાં.