- રાજ્ય સરકારે વર્ષ 2022 વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ
- રાજ્યની 7 મહાનગરપાલિકા વિસ્તારમાં કામ પુરા કરવાની અપાઈ સૂચના
- અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જામનગર કોર્પોરેશનના પદાધિકારીઓ અને કમિશનર રહ્યા બેઠકમાં હાજર
ગાંધીનગર : ગુજરાતમાં વર્ષ 2022માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે આજે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યની મહાનગરપાલિકા જેવી કે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર અને જૂનાગઢના કોર્પોરેશનના મેયર અને મ્યુનિસિપલ કમિશનર સાથે ગીફ્ટ સીટી ક્લબ હાઉસ ખાતે એક બેઠકનું આયોજન કર્યું હતું. જેમાં રાજ્ય સરકારના મહત્વના પ્રોજેક્ટ વહેલી તકે પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી હતી.
વર્ષ 2022 પહેલાં ક્યાં પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવશે
રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પ્રથમ સેશન પૂર્ણ થયા બાદ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોવાથી તેને બાકાત રાખીને તમામ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અને મેયરની કોન્ફરન્સ રાખવામાં આવી હતી. જેમાં રાજ્યની તમામ મહાનગરપાલિકાઓને વિશ્વ કક્ષામાં પહોંચાડવાના આયોજન બાબતે ચર્ચા કરવામાં આવી હતી. વર્ષ 2022 સુધીમાં તમામ મહાનગરપાલિકામાં સ્કીમ યોજના અને તમામ યોજનાનો વહેલી તકે અમલ થાય અને સાથે જ કોર્પોરેશન દ્વારા તમામ પ્રોજેક્ટનો વહેલી તકે ઉપયોગ થાય તે બાબતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ મહાનગરપાલિકામાં ગેરકાયદેસર દબાણ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કરવું અને પ્લાસ્ટિકનો કચરો દૂર કરવાના પ્લાન્ટ તૈયાર કરવાની પણ ચર્ચા કરાઇ હતી.