ગાંધીનગર: અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં 6 ઓગસ્ટની મધરાત્રીએ લાગેલી આગની ઘટના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અત્યંત ગંભીરતાથી લીધી છે. આ સાથે જ સમગ્ર ઘટના અંગે 2 અધિકારોની નિમણૂક કરીને રિપોર્ટ તૈયાર કરવાની સૂચના આપી હતી. જે 3 દિવસ બાદ શનિવારે રિપોર્ટ આપવાનો હતો, પરંતુ સોમવારે કમિટીના સભ્યો દ્વારા આ રિપોર્ટ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને સોંપવામાં આવ્યો છે.
CMને રિપોર્ટ સોંપાયો, નિવૃત્ત હાઈકોર્ટ જજની અધ્યક્ષતામાં જ્યુડિશિયલ ઈન્કવાયરીનો રાજ્ય સરકારનો નિર્ણય આ અંગે રાજ્ય ગૃહ પ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ 2 વરિષ્ઠ અધિક મુખ્ય સચિવઓને તેમની તપાસનો અહેવાલ 3 દિવસમાં રાજ્ય સરકારને આપવાની સ્પષ્ટ સૂચનાઓ પણ આપી હતી. આ વરિષ્ઠ અધિક મુખ્ય સચિવો દ્વારા અમદાવાદ મહાપાલિકા, FSL, ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર, ફાયર બ્રિગેડ તેમજ પોલીસની સમગ્રત કામગીરીના અહેવાલો મંગાવવામાં આવ્યા હતા.
સોમવારે આ બે વરિષ્ઠ અધિક મુખ્ય સચિવ સંગીતા સિંહ અને મુકેશ પુરીએ તેમનો તપાસ અહેવાલ રાજ્ય સરકારને સુપ્રત કર્યો છે.
આ અહેવાલમાં જણાવાયું છે કે, પ્રાથમિક રીતે ઇલેક્ટ્રિકલ તબીબી ઉપકરણમાં આગ લાગવાથી આ ઘટના બનેલી છે. આ એક પ્રકારની એક્સિડેન્ટલ ફાયર છે, જે અંદાજે 3 મિનિટમાં ICUમાં પ્રસરી ગઈ હતી.
CM રૂપાણીએ 8 લોકોના દર્દનાક મૃત્યુની આ આખીયે ઘટનાને અત્યંત ગંભીરતાથી લઈને તેમને વરિષ્ઠ અધિક મુખ્ય સચિવઓએ સોંપેલા તપાસ અહેવાલ બાદ કોઈ પણ પ્રકારની ન્યાયિક બાબત છૂટી ન જાય કે કોઈપણ કસૂરવાર છટકી ન જાય તે હેતુસર સમગ્ર ઘટનાની ખૂબ જ ઝીણવટપૂર્વક તપાસ થાય તે માટે નિવૃત્ત હાઇકોર્ટ જજની અધ્યક્ષતામાં તપાસ પંચને જ્યુડિશિયલ ઇન્કવાયરી સોંપવાનો નિર્ણય કર્યો છે. આ ઘટના અંગે પોલીસ દ્વારા પણ ઝડપથી FIRની કાર્યવાહી કરવામાં આવે તેવા સ્પષ્ટ આદેશ સોમવારે રાજ્ય સરકારે આપ્યા છે.
આ ઘટનામાં મૃત્યુ પામેલા 8 વ્યક્તિઓ પ્રત્યે શોકની લાગણી વ્યક્ત કરીને ઉંડુ દુઃખ વ્યક્ત કરતા મૃતકોના વારસદારોને રૂપિયા 4 લાખની સહાયની પણ જાહેરાત કરી હતી અને આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને પણ રૂપિયા 50 હજારની સહાય જાહેર કરી હતી.