ગાંધીનગરઃ આ સમયે રાજ્યસભાની ચૂંટણી માટે ફોર્મ ભરવાની વેળાએ ભાજપનાં ત્રણેય ઉમેદવારો ફોર્મ ભરે તે પહેલા ગાંધીનગરનાં પાર્ટી કાર્યાલય કમલમ ખાતે અભિવાદન સમારોહ યોજાયો હતો. ત્યારે જીતુ વાઘાણીએ ભાજપનાં ત્રણેય ઉમેદવારોને શુભકામના પાઠવી હતી.
રાજ્યસભા ચૂંટણીઃ ભાજપના ઉમેદવારોએ ભર્યા ફોર્મ જીતુ વાઘાણીઃ તમે જોતા રહો, બધું ગોઠવાઈ જશે અને વધુ મતો પણ મળશે. ભાજપને જેટલા મતની જરૂર છે, તેનાં કરતા વધુ મત મળશે.
નરહરિ અમીનનું ફોર્મ મોડું ભરાતા ભાજપનાં બીજા 2 ઉમેદવારો અભય ભારદ્વાજ અને રમીલાબેન બારા પણ વિજય મુહૂર્ત ચુકી ગયા હતા. ભાજપનાં ઉમેદવારો વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવાનું ચુકતા કોંગ્રેસનાં બન્ને ઉમેદવારો શક્તિસિંહ અને ભરતસિંહ ભાજપનાં ઉમેદવારોની પહેલા આવીને ફોર્મ ભરી દીધું હતું, અને 1:40 વાગ્યે ફોર્મ ભરીને બહાર આવી ગયા હતા. ત્યાર બાદ 1:56 વાગ્યે ભાજપનાં ઉમેદવારો ફોર્મ ભરવા પહોંચ્યા હતા.
નીતિન પટેલઃ સંખ્યાબળનાં આધારે અમારી પાસે વધુ મતો છે. અમારા 2 ઉમેદવારો સ્પષ્ટ બહુમતીથી જીતશે. ઉપરાંત કોંગ્રેસનો જૂથવાદ બહાર આવ્યો છે. કોંગ્રેસનાં ધારાસભ્યો નારાજ છે. કોંગ્રેસે ઉમેદવાર બદલવા પડ્યા છે. કોંગ્રેસનાં ધારાસભ્યોમાં જ અસંતોષ છે. કોંગ્રેસનાં ધારાસભ્યો પસંદગીને કારણે નારાજ છે અને કોંગ્રેસનાં ધારાસભ્યો નારાજ છે તેથી અમે ત્રીજો ઉમેદવાર ઉતાર્યો. કોંગ્રેસમાં જૂથવાદ-નારાજગીથી જ અમને ફાયદો થશે. કેમ કે પહેલા રાજીવ શુક્લાનું નામ જાહેર થયું હતું. જેમાં કોંગ્રેસનો જૂથવાદ ખુલીને બહાર આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, રાજ્યસભાની ચૂંટણી 26 માર્ચે યોજાવાની છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસનાં ઉમેદવારોએ ગુજરાત વિધાનસભામાં પોતાના ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. ભાજપે રાજ્યસભાની ગુજરાતની ખાલી 4 બેઠકો પર 3 જ્યારે કોંગ્રેસે 2 ઉમેદવાર ઉભા રાખ્યાં છે. ભાજપે અભય ભારદ્વાજ અને રમીલાબેન બારાની જાહેરાત કરી હતી. આ બાદ કોંગ્રેસે શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીને રાજ્યસભાની ઉમેદવાર બનાવ્યા હતા. ભાજપે અંતિમ ઘડીએ ત્રીજા ઉમેદવાર તરીકે નરહરી અમીનની જાહેરાત કરીને કોંગ્રેસને મોટો આંચકો આપ્યો હતો. ભાજપનાં ઉમેદવારનાં ફોર્મ ભરતા સમયે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી પણ હાજર રહ્યાં હતા.