ગાંધીનગર : ગાંધીનગર જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી હતી ત્યારે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે દિવ્યાંગ બાળકોના સમારોહ દરમિયાન પોતાના ભૂતકાળને વાગોળતાં જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસ ઉજવણીમાં રસ નથી. તેઓ જન્મદિવસની ઉજવણીમાં માનતાં નથી.
પીએમ મોદીને જન્મદિવસની ઉજવણી પસંદ જ નથી, સંગઠનની રજૂઆત બાદ જન્મદિવસે સામાજિક કામો શરૂ કર્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 70મો જન્મદિવસ છે. જ્યારે નરેન્દ્ર મોદીએ પ્રથમ વખત ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે શપથ લીધાં ત્યાર બાદ જન્મદિવસની ઉજવણી કરવા માટે સંગઠન થનગની રહ્યું હતું. ત્યારે નરેન્દ્ર મોદીએ જન્મદિવસ ઉજવણીની સ્પષ્ટ ના પાડી હતી. આ ઘટનાને યાદ કરતાં રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની ઉજવણીમાં રસ નથી પરંતુ સંગઠનમંત્રીઓ અને કાર્યકર્તાઓની રજૂઆત બાદ તેઓએ સામાજિક કાર્યો કરવાની અનુમતિ આપી હતી.
મોદી જ્યારે પ્રથમ વખત ગુજરાતના મુખ્યપ્રધાન બન્યાં હતાં ત્યારે તેઓના જન્મદિવસે રાજ્ય સરકારના તમામ પ્રધાનો અને સંગઠનના આગેવાનો દ્વારા જન્મદિવસની ઉજવણી માટેની અનોખી તૈયારી કરવામાં આવી હતી. લોકો જન્મદિવસની ઉજવણી માટે થનગની રહ્યાં હતાં ત્યારે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જન્મદિવસની ઉજવણી નહીં કરવાની વાત કરી હતી.
ત્યાર બાદ રાજ્યના તમામ પ્રજાજનો અને સંગઠનની વાત માનીને તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ સામાજિક કામો કરીને જન્મદિવસની ઉજવણી કરવાનું કહ્યું હતું. ત્યારથી જ ગુજરાતમાં નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ગરીબો માટે રાશન કિટ બાળકો માટેની સહાય તથા હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ કાર્યક્રમ શરુ કરવામાં આવ્યાં છે.