- લૉકડાઉન કરવાનો કોઈ નિર્ણય નથીઃ નીતિન પટેલ
- ઓક્સિજનની અછતને પહોંચી વળવા પ્લાન્ટ નખાશે
- નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી 2 મોટી જાહેરાત
ગાંધીનગરઃ કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખી નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે 2 મોટી જાહેરાત કરી હતી, જેમાં ઓક્સિજનની અછત સર્જાતા અને આગામી સમયમાં કોરોનાને જોતા જો પરિસ્થિતિ વધુ વિકટ બને તો આગોતરા પ્લાનિંગના ભાગરૂપે 10 શહેરોની 11 હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટ નાખવાની જાહેરાત કરવામાં આવી હતી. આ ઉપરાંત RT-PCRના ચાર્જિસમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. ઘરેથી સેમ્પલ લેવામાં આવે છે. તેના ચાર્જમાં 200 રૂપિયાનો ઘટાડો જ્યારે લેબોરેટરીના ટેસ્ટિંગમાં 100 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે, જેનો અમલ આવતીકાલે 20 એપ્રિલથી લાગુ પડશે તેવું તેમને જણાવ્યું હતું.
આ પણ વાંચોઃવડનગરમાં 2 કરોડના ખર્ચે 1,500 કિલો ઓક્સિજન ઉત્પન્ન કરતો પ્લાન્ટ કરાયો શરૂ
11 હોસ્પિટલો પૈકી સિવિલ હોસ્પિટલમાં 2,000 લિટર પ્રતિ મિનિટ ઉત્પન્ન થાય તેવો પ્લાન્ટ નખાશે
નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં આ પહેલા 150 જેટલા ઓક્સિજન વપરાતો હતો. અત્યારે લગભગ 700 ટન વપરાય છે. ઓક્સિજન ગેસની જરૂરિયાતને ધ્યાનમાં રાખી જો આવી પરિસ્થિતિ રહે તે માટે તો આગોતરી તૈયારીના ભાગરૂપે 11 હોસ્પિટલોમાં પ્લાન્ટ નાખવામાં આવશે, જેમાં અમદાવાદ સિવિલમાં સૌથી મોટો 2,000 લિટર પ્રતિ મિનિટનો પ્લાન્ટ નાખવામાં આવશે. સોલા સિવિલ હોસ્પિટલમાં 200 લીટર પ્રતિ મિનિટ, વડોદરા ગોત્રિ હોસ્પિટલ ખાતે 200 લીટર પ્રતિ મિનિટ જ્યારે પાટણ, જૂનાગઢ, બોટાદ, લુણાવાડા, મહેસાણા, પોરબંદર સુરેન્દ્રનગર, વેરાવળમાં 700 લીટર પ્રતિ મિનિટ ઉત્પન્ન થાય તેવો પ્લાન્ટ નાખવામાં આવશે. આથી આગામી સમયમાં ઓક્સિજનની અછત રહેશે નહીં.
આ પણ વાંચોઃPM કેર ફંડ હેઠળ નવી 100 હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટ બનાવવામાં આવશે
RT-PCR ટેસ્ટના રૂ. 1,100 ઘટાડી 900 કરાયા, લેબોરેટરીમાં 800ની જગ્યાએ રૂ. 700 લેવાશે
હોસ્પિટલમાંથી અથવા દર્દીના ઘરે જઈને જે સેમ્પલ લેવામાં આવશે. તેનો ચાર્જ અત્યારે 1,100 રૂપિયા છે, જેમાં 200 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. હવે 900 રૂપિયા લેવામાં આવશે. લેબોરેટરીમાં જે ટેસ્ટિંગ કરવામાં આવે છે. તેનો ચાર્જ અત્યારે 800 રૂપિયા છે. તેમાં 100 રૂપિયાનો ઘટાડો કરી 700 રૂપિયા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઘટાડો 20 એપ્રિલથી રાજ્યની તમામ ખાનગી લેબોરેટરીમાં અમલ કરવાનો રહેશે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં પ્રવર્તી રહેલી કોરોનાની સ્થિતિને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત RT-PCRના મશીન પણ વધારવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું. રાજ્યમાં સરકારી લેબોરેટરીમાં 24 કલાકથી 30 કલાકમાં કરાયેલા ટેસ્ટના રિપોર્ટ આવે તેવી વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવશે. રાજ્યના દરેક જિલ્લાઓમાં લેબોરેટરી પૂર્ણ કરવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
સંપૂર્ણ લૉકડાઉન કરવું એ હજુ સુધી નિષ્ણાતો માનતા નથીઃ નીતિન પટેલ
લોકડાઉન અંગે નાયબ મુખ્યપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, લૉકડાઉન અંગે હજુ સુધી કોઈ નિર્ણય નથી લેવાયો. સંપૂર્ણ લૉકડાઉન કરવું તે હજુ સુધી નિષ્ણાતો પણ માનતા નથી. બીજા તબક્કામાં ઝડપથી કોરોના ફેલાઈ રહ્યો છે. લોકો બજારો અડધો દિવસ બંધ રાખે છે, પરંતુ અડધા દિવસની અંદર પણ કોરોના ફેલાવાની શક્યતા તો છે જ. આ ઉપરાંત લૉકડાઉન એટલે પણ ન કરી શકાય કેમ કે દિવસે ઘણા લોકો રોજગાર સાથે જોડાયેલા છે. સોશિયલ ડિસ્ટન્સ રાખો અને માસ્ક પહેરો તો લૉકડાઉનની જરૂર નથી અને લૉકડાઉનથી ચેન તૂટશે એવું પણ ખાતરી પૂર્વક ન કહી શકાય. કેમ કે આ પહેલા પણ લૉકડાઉન થયું હતું ત્યારે પણ કેસો સામે આવ્યા હતા.