- સામાન્ય તાવ જેવા લક્ષણો ધરાવતા ગ્રામજનોને આઇસોલેટ કરવા અપિલ
- ‘મારા ગામમાં કોરોના પ્રવેશવા દેવો નથી’ તેવી નેમ સાથે 10 વ્યક્તિઓની કમિટી
- કોરોના સામેની આ બીજી લહેરમાં પણ આપણે જંગ જીતી શકીશું: મુખ્યપ્રધાન રૂપાણી
ગાંધીનગર: કોરોના સામેની લડતમાં મહાનગરોની સાથે સાથે નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારોએ પણ વિશેષ કાળજી લેવાની આવશ્યકતા છે. ગુજરાતના નાનામાં નાના ગામમાં રહેતો નાગરિક પણ વધારે સજાગ અને સાવચેત થશે તો જ કોરોના સામેની આ જંગ જીતી શકાશે. ગ્રામીણ આગેવાનો 'મારુ ગામ-કોરોનામુક્ત ગામ' બને તે માટે સંકલ્પ પણ લેશે. કોરોનાને હરાવવાના રાજ્ય સરકારના પ્રયત્નોમાં સહભાગી થવા દરેક ગામમાં એક સશક્ત ટીમ તૈયાર કરવામાં આવશે. જેના નેતૃત્વમાં, દરેક ગામ કોરોના સામે નિર્ણાયક લડત આપશે.
આ પણ વાંચો:અમેરિકામાં રહેતા ગુજરાતીઓ સાથે વિજય રૂપાણીએ કોરોના અંગે યોજી ઈ-બેઠક
ગ્રામ્ય વિસ્તારોમાં કઈ સુવિધાઓ ઉભી કરાશે
મુખ્યપ્રધાન રૂપાણીએ રાજ્યના દરેક ગામોમાં શાળા સંકુલ, જ્ઞાતિની વાડી, મોટા ખાલી રહેલા મકાનો, મંડળીઓ, પંચાયત ઘર જેવી જગ્યાઓએ જરૂર જણાય ત્યાં આઇસોલેશન સેન્ટર, કોવિડ કેર સેન્ટર્સ ઊભા કરવા અને તેમાં શરદી, ખાંસી, સામાન્ય તાવ જેવા લક્ષણો ધરાવતા ગ્રામજનોને આઇસોલેટ કરવા અપિલ કરી હતી. આ ઉપરાંત, આવા આઇસોલેશન સેન્ટર્સ અને કોવિડ કેર સેન્ટરમાં રહેલા લોકોના રહેવા-જમવા તેમજ સ્ટાર્ન્ડડ દવાઓ, વિટામીન-સી, એઝિથ્રોમાઇસીન, પેરાસીટામોલની વ્યવસ્થા ગામના આગેવાનો, યુવાનો ઉપાડી લે એવું આહવાન પણ કર્યુ હતું. ‘મારા ગામમાં કોરોના પ્રવેશવા દેવો નથી’ તેવી નેમ સાથે 10 વ્યક્તિઓની એક કમિટી બનાવી, તાલુકા-જિલ્લા વિકાસ અધિકારી, PHC, CHCના સહયોગથી ગ્રામજનોનું ટેસ્ટીંગ, ટ્રેસિંગ અને ટ્રિટમેન્ટની વ્યવસ્થા કરી ગામડાંઓમાં કોરોના સંક્રમણ પ્રવેશતું અટકાવી શકાય.