ગાંધીનગરઃ ગુજરાત સરકારે કોવિડ-19 કોરોના વાઇરસની સ્થિતિ પછી ઉદભવનારી સ્થિતિમાં MSME એકમોને પુન: ચેતનવંતા કરવાના કરેલા બહુવિધ આયોજનની ફલશ્રુતિરૂપે રાજ્યના ૮૭,૮૩૪ MSME એકમોએ વિવિધ રાષ્ટ્રીયકૃત બેન્કસને લોન, સહાય માટે કરેલી અરજીઓ માત્ર ૧પ દિવસના વિક્રમ સમયમાં મંજૂર કરી છે.
ગુજરાતે પંદર દિવસમાં જ MSME એકમોને રૂપિયા 2,428 કરોડની લોન સહાય આપી
કેન્દ્ર સરકારે રૂ.20 લાખ કરોડનું આત્મનિર્ભર પેકેજ જાહેર કર્યું હતું. ત્યારબાદ ગુજરાત સરકારે રૂ.14,000 કરોડનું આર્થિક પેકેજ જાહેર કર્યું હતું. આ આર્થિક રાહત પેકેજમાં નાના ઉદ્યોગોનો વધુ સહાય મળી રહે તે હેતુથી વધુ જોગવાઈ કરવામાં આવી હતી. તે મુજબ નાના ઉદ્યોગોમાં MSME સેકટરોને ગુજરાત સરકારે લોન સહાય પૂરી પાડી છે. ગુજરાતનું અર્થતંત્ર ઝડપથી પાટા પર ચઢી જાય અને નાના ઉદ્યોગો ફરીથી ચેતનવંતા બને તે માટે ગુજરાત સરકારે સક્રિયપણ કોરોના સાથે રહીને પણ આર્થિક પ્રવૃતિને પ્રાધાન્ય આપ્યું છે.
મુખ્યપ્રધાને તા.૩૦ મેના ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના જિલ્લામથકોએ ઉપસ્થિત રહેલા બેન્ક અધિકારીઓ, જિલ્લા ઊદ્યોગ કેન્દ્રોના જનરલ મેનેજરો, MSME એકમોના સંગઠનોના પદાધિકારીઓ ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓ સાથે ઊદ્યોગ-વેપાર ક્ષેત્રને ફરી એ જ ગતિએ ધબકતા કરવાની કાર્યયોજનાનું સામૂહિક મંથન-ચિંતન કર્યુ હતું. આ બેઠકના પરિપાક રૂપે રાષ્ટ્રીયકૃત બેન્કોએ MSME એકમોને કોરોના-કોવિડ-19 પછીની આર્થિક-ઔદ્યોગિક ગતિવિધિઓનો મહત્તમ લાભ લઇ પૂન: બેઠા થવા ઝડપી, પારદર્શી અને સરળ લોન આપવાનો હેતુ હતો. તદઅનુસાર, સમગ્ર રાજ્યમાંથી ૮૯,૭૬૭ MSME એકમોએ વિવિધ રાષ્ટ્રીયકૃત બેન્કમાં લોન સહાય માટે કરેલી અરજીઓ પૈકી ૮૭,૮૩૪ એટલે કે ૯૭ ટકા અરજીઓ માત્ર ૧પ દિવસમાં જ મંજૂર કરવામાં આવી છે.