ગાંધીનગર: રાજ્યમાં કોરોનાના સંક્રમણમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે, ત્યારે ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ મુલતવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યની 6 મહાનગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીની મુદત નવેમ્બર 2020માં પૂર્ણ થઇ રહી છે, ત્યારે રાજ્યમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી ચૂંટણી આયોગ દ્વારા આ ચૂંટણીઓ આગામી 3 માસ સુધી મુલતવી રાખવાની જાહેરાત કરી છે. જેથી હવે 6 મહાનગરપાલિકા, 55 નગરપાલિકા અને 231 તાલુકા પંચાયતમાં વહીવટદારની નિમણૂક કરવામાં આવશે.
રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પાછી ઠેલવાના કારણે રાજ્ય સરકાર દ્વારા કોર્પોરેશન પંચાયતોમાં હવે વહીવટદારની નિમણૂક કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ સાથે જ અત્યારે વર્તમાન બોડીને સ્ટેન્ડ કરવા માટેની પણ ચર્ચા વિચારણા શરૂ કરવામાં આવી છે. વહીવટદારની નિમણૂક કરવામાં આવે તો 31 જિલ્લા પંચાયતમાં સચિવ કક્ષાના વહીવટદારની નિમણૂક કરવામાં આવશે, જ્યારે 6 મહાનગરપાલિકામાં અગ્ર સચિવની નિમણૂક વહીવટદાર તરીકે કરવામાં આવશે. આ સાથે જ તાલુકા પંચાયતમાં ડેપ્યૂટી કલેક્ટર અને એડિશનલ કલેક્ટર તરીકે મુકવામાં આવશે.