ગાંધીનગર: ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે, ત્યારે બજેટ સત્ર દરમિયાન કોંગ્રેસ પક્ષ દ્વારા વિધાનસભાગૃહમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, કોઈપણ પ્રધાન સચિવાલયમાં પોતાની કેબીનમાં હાજર રહેતા નથી. જેના જવાબમાં શનિવારે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, તમામ પ્રધાનો હાજર જ હોય છે. જ્યારે પ્રધાનનો કાર્યક્રમ બહાર હોઈ, તેવા સમયે હાજર હોતા નથી.
જાણો સચિવાલયમાં પ્રધાનોની ગેરહાજરી બાબતે શું બોલ્યા નાયબ મુખ્યપ્રધાન? - નાયબ મુખ્યપ્રધાન
બજેટ સત્ર દરમિયાન કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, પ્રધાનો પોતાની કેબીનમાં હાજર રહેતા નથી, જે આક્ષેપોને નાયબ મુખ્યપ્રધાને ફગાવ્યા હતા.
સચિવાલયમાં રાજ્યના પ્રધાનોની હાજરી બાબતે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, તમામ પ્રધાનો સચિવાલય ખાતે પોતાની ઓફિસમાં હાજર જ હોય છે. સોમવારે જાહેર જનતાનો દિવસ હોય છે, જ્યારે મંગળવારે ધારાસભ્ય અને સાંસદ સભ્યોની મુલાકાત માટે સમય ફાળવવામાં આવે છે. જેથી સોમ, મંગળ અને બુધવાર 3 દિવસ રાજ્યના તમામ પ્રધાનો સચિવાલય ખાતે પોતાની ઓફિસમાં હાજર હોય છે, પરંતુ જ્યારે તેમનો કોઈ જાહેર કાર્યક્રમ હોય છે ત્યારે તે કાર્યક્રમ અને પોતાના શિડ્યુલ પ્રમાણે લોક સંપર્કમાં હોય છે. જેથી પ્રધાનો તે સમયે સચિવાલયમાં હાજર રહી શકતા નથી.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના આક્ષેપ બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ તમામ પ્રધાનોને હાજર રહેવા માટેની સૂચના આપી છે. જેથી નાયબ મુખ્યપ્રધાને જણાવ્યું કે, સરકારના તમામ પ્રધાનો લોકોનું કામ કરે છે અને પોતાના જાહેર કાર્યક્રમમાં વ્યસ્તતાના સમયે જ ઓફિસ આવી શકતા નથી.