- ભાવ વધારાને ખેડૂતો પર વજ્રઘાત સમાન ગણાવી નોંધાવ્યો વિરોધ
- તાત્કાલિક સહાય જાહેર કરી ભાવ વધારો પરત ખેચવા કિસાન સંઘની માંગ
- પાક વીમા અને 4 ટકા વ્યાજ સબસિડીના લાખો ખેડૂતોના પ્રશ્નો હજુ પણ અટવાયેલા
ગાંધીનગર: રાસાયણિક ખાતરોના ભાવ વધારાનું ભૂત ફરી ધૂણ્યું છે. રવિ સિઝનની વાવણી પહેલાં જ ખેડૂતોને ખાતરના ભાવ નડી રહ્યા છે. જે હેતુથી ભારતીય કિસાન સંઘે ખાતરનો ભાવ વધારો પાછો ખેંચવા માટે કેન્દ્ર સરકારને રજૂઆત કરી છે. તેમણે તત્કાલ સહાય જાહેર કરીને તમામ ભાવ વધારા પૂર્વવત કરવા અનુરોધ કર્યો છે.
ખેડૂતો પર વાવાઝોડાથી લઈને અનેક આફતો આવી
ભારતીય કિસાન સંઘના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ દુધાત્રા અને પ્રદેશ મહામંત્રી બી.કે.પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના ખેડૂતોના માથે જાણે પનોતી બેઠી હોય તેમ વાવાઝોડાથી લઇ આજ સુધી એક પછી એક આફતો આવી રહી છે. ગત વર્ષના પાક વીમાની બાકી રકમ અને ચાર ટકા વ્યાજ સહાયના લાખો ખેડૂતોના નાણાં જેવા અનેક પ્રશ્નો ઊભા છે. ત્યારે ચાલુ વર્ષે પ્રથમ વાવાઝોડા બાદ અનેક વિસ્તારોમાં વરસાદી વિદાય લીધી છે, પરંતુ ક્યાંક વરસાદ છે. ક્યાંક અપૂરતા તો ક્યાંક વધુ પડતા વરસાદને કારણે ખેડૂતોને કટોકટીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતો માટે દિવાળી પહેલાં જ નવી સીઝનના વાવેતર પહેલા મહત્વના ખાતરોના ભાવ વધારી દેવામાં આવતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.