ગુજરાત

gujarat

કોંગ્રેસને દબાવવા ઇમરાન ખેડાવાલાનો પ્રયાસ: પક્ષમાંથી રાજીનામું આપ્યું, વિધાનસભાના સભ્ય તરીકે નહીં

સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ કોંગ્રેસના જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ રાજીનામું આપ્યું છે. તેમણે કોંગ્રેસ પક્ષથી નારાજ થઈને અત્યારે ફક્ત પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. વિધાનસભામાં ધારાસભ્ય તરીકે હજુ સુધી રાજીનામું આપ્યું નથી.

By

Published : Feb 8, 2021, 7:08 PM IST

Published : Feb 8, 2021, 7:08 PM IST

Updated : Feb 8, 2021, 8:15 PM IST

ETV BHARAT
ઈમરાન ખેડાવાલાએ આપ્યું રાજીનામું

  • જમાલપુર ખાડિયાના ધારાસભ્યએ પક્ષમાંથી આપ્યું રાજીનામું
  • ઇમરાન ખેડાવાલાએ ફક્ત પક્ષમાંથી આપ્યું રાજીનામું
  • ધારાસભ્ય પદમાંથી રાજીનામાંની કોપી પક્ષને આપી
  • પક્ષને દબાવવાની ખેડાવાલાની ચાલ ?

ગાંધીનગર: અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીને લઈને કોંગ્રેસ પક્ષ દ્વારા જે રીતના ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવ્યા છે, તેને લઈને જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા પક્ષથી નારાજ થયા હતા. ગત 2 દિવસથી ખેડાવાલા નારાજ હતા, ત્યારે આજે સોમવારે અચાનક જ અમદાવાદ હિંમતનગર હાઈવે પર આવેલા પ્રાતિયાં ગામ નજીકના એક ફાર્મ હાઉસમાં ઇમરાન ખેડાવાલાએ કોંગ્રેસ પક્ષના પ્રમુખ અમિત ચાવડાને રાજીનામું આપ્યું હતું.

ઈમરાન ખેડાવાલાએ આપ્યું રાજીનામું

વિપક્ષ નેતા પરેશ ધાનાણી, પ્રભારી રાજીવ સાતવ અને અમિત ચાવડા સાથે બેઠક કરી

અમદાવાદના કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ આજે સોમવારે રાજીનામું આપ્યા પહેલાં વિપક્ષ નેતા પરેશ ધાનાણી કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ અને પક્ષ પ્રમુખ અમિત ચાવડા સાથે બેઠક કરી હતી અને તેમને જે રીતની નારાજગી છે, તે બાબતની રજૂઆત પણ કરી હતી. આ રજૂઆતનું કોઈપણ પ્રકારનું નિરાકરણ નહીં આવતાં તેમણે અંતે રાજીનામું આપી દીધું હતું.

બહેરામપુરા વોર્ડને લીધે રાજીનામાંની બબાલ

કોર્પોરેશનની ચૂંટણી માટે બહેરામપુરા વોર્ડમાં કોંગ્રેસ પક્ષે શૈલેષ પરમાર, ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલાની સાથે બેઠક કર્યા બાદ 4 ઉમેદવારોને મેન્ડેટ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ 4 પૈકી તમામ ઉમેદવારો કલેક્ટર ઓફિસે ઉમેદવારી ફોર્મ ભરવા પણ પહોંચ્યા હતા, પરંતુ કોંગ્રેસ પક્ષે અંતિમ સમયે વધુ 2 મેન્ડેટ જાહેર કર્યા હતા. મળતી માહિતી પ્રમાણે કમરુદ્દીન પઠાણ અને નગમા રંગરેજને કોંગ્રેસ પક્ષે અગાઉ મેન્ડેટ આપી દીધા હતા, પરંતુ અંતિમ સમયે વધુ 2 મેન્ડેટ આપવામાં આવ્યા હતા. જેના કારણે કમરુદ્દીન પઠાણ અને નગમા રંગરેજનેને કાપવામાં આવ્યા અને એમના સ્થાને રફીક શેઠજી અને મુમતાઝ અંસારીને મેન્ડેટ આપતાં કલેક્ટરે ઓફિસમાં અંતિમ મેન્ડેટ ફાઇનલ રાખ્યા હતા. જેથી ઇમરાન ખેડાવાલા નારાજ થયા છે.

વિધાનસભા અધ્યક્ષને રાજીનામું નહીં

ઈમરાન ખેડાવાલાએ કોંગ્રેસ પક્ષથી નારાજ થઈને અત્યારે ફક્ત પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. વિધાનસભામાં ધારાસભ્ય તરીકેનું રાજીનામુ હજૂ સુધી વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને આપવામાં આવ્યું નથી. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ઈમરાન ખેડાવાલાએ હજુ સુધી વિધાનસભામાં રાજીનામાં બાબતે કોઈ સમયની માગ પણ કરી ન હોવાની વાત પણ સામે આવી રહી છે.

Last Updated : Feb 8, 2021, 8:15 PM IST

ABOUT THE AUTHOR

...view details