- ફૂડ એન્ડ ડ્રગ કમિશ્નરે યોજી પત્રકાર પરિષદ
- આગામી તહેવારોમાં જનતાને શુદ્ધ મીઠાઈ અપાવવા લીધો નિર્ણય
- રાજ્યના તમામ જિલ્લામાં ચેકિંગનો આપ્યો આદેશ
ગાંધીનગર: દશેરા અને દિવાળીના તહેવારોના હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રાજ્યની જનતાને ખરાબ વસ્તુ અને મીઠાઈથી બચાવવા રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગે રાજ્યના તમામ જિલ્લામાં તપાસના આદેશ આપ્યા છે.
રાજ્યના તમામ જિલ્લામાં તપાસના આદેશ
રાજ્યમાં ફરસાણ અને મીઠાઈની દુકાનોમાં તપાસ બાબતે ફૂડ એન્ડ ડ્રગ વિભાગના કમિશ્નર એચ.જી કોશિયાએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, આગામી દશેરા અને દિવાળીના તહેવાર નિમિત્તે રાજ્યની જનતાને શુદ્ધ અને પૌષ્ટિક આહાર મળી શકે તે માટે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેમાં રાજ્યના 33 જિલ્લામાં વિભાગને સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે, જ્યારે અમદાવાદ, રાજકોટ, સુરત, બરોડા જેવા મોટા શહેરોમાં કોર્પોરેશનના આરોગ્ય વિભાગને સાથે રાખીને મીઠાઈની દુકાન અને ફરસાણની દુકાનો ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવશે.
તેલની તપાસ કરવામાં આવશે
કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નિયમોને ધ્યાનમાં રાખીને લુઝ આઈટમ પણ ક્યારે બનાવવામાં આવી છે અને કેટલા સમય સુધી ઉપયોગ કરી શકાશે તેવી વિગત રાખવી ફરજિયાત છે. ત્યારે આ નિયમોનું પાલન થાય છે કે નહીં તે અંગેનું ચેકિંગ પણ હાથ ધરવામાં આવશે. આ સાથે જ આ તહેવારની સિઝન દરમિયાન ઘી, દૂધ, મીઠાઈ, માવા, સહિતની તમામ ખાદ્ય ચીજવસ્તુઓનું ચેકિંગ હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત ફરસાણની દુકાનોમાં તેલ કેટલું શુદ્ધ અને તળવા લાયક છે, તે અંગેની તપાસ પણ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવશે.
દિવાળીના તહેવારને લઈને ફૂડ વિભાગ એક્શનમાં, 33 જિલ્લામાં મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં થશે ચેકિંગ કસૂરવાર વેપારી સામે થશે કાર્યવાહી
રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ કમિશ્નર એચ.જી કોશિયાએ જણાવ્યું હતું કે, કોઈપણ ફરસાણની દુકાન બહાર ગ્રાહક નાસ્તો ન કરે તે માટે પણ સ્થાનિક તંત્રને ખાસ સૂચના આપવામાં આવી છે. જો કોઇપણ વેપારી મિશ્રણ કરેલી વસ્તુઓનું વેચાણ કરશે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આમ રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તાત્કાલિક સેમ્પલ લઇને ગણતરીના દિવસોમાં જ પરિણામ પણ જાહેર કરવામાં આવશે અને જો કોઈ વેપારી કસૂરવાર ઠરશે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.